ગુજરાતમાં આગામી ચૂંટણીના માહોલ વચ્ચે રાજકોટના જસદણ ખાતે પાટીદાર સમાજના શૈક્ષણિક ભવનમાં એક વિશેષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર અનામત આંદોલનના અગાઉના અગ્રણી અને હાલ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે સેવા આપતા દિનેશ બાંભણીયાએ આપેલું નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેમણે જાહેરમાં સ્વીકાર્યું હતું કે પાટીદાર આંદોલનને કારણે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ પરથી હટાવવા માટે તેઓ કારણભૂત બન્યા હતા અને સારા મુખ્યમંત્રી ગુમાવ્યાનો તેમને ઊંડો અફસોસ છે. આ વિવાદને પૂર્ણવિરામ આપવા માટે તેમણે જાહેરમાં માફી માંગવાની અને ઉત્તરપ્રદેશ સુધી જઈને પણ આનંદીબેનને મળવાની તૈયારી દર્શાવી હતી.
દિનેશ બાંભણીયાએ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું કે આનંદીબેન જેવા સક્ષમ નેતાને દૂર કરવાથી પાટીદાર સમાજને મોટું નુકસાન થયું છે અને ભવિષ્યમાં આવા નિર્ણયોથી સમાજે સાવચેત રહેવું જોઈએ. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે મંચ પર આનંદીબેન પટેલના પુત્રી અનારબેન પટેલ પણ ઉપસ્થિત હતા. દિનેશ બાંભણીયાની ભાવના અને અફસોસને ધ્યાનમાં રાખીને અનારબેને તરત જ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેમણે બાંભણીયાને આશ્વાસન આપતા કહ્યું હતું કે ભૂતકાળની વાતોનું દુઃખ રાખવાની કોઈ જરૂર નથી અને આનંદીબેનના હૃદયમાં કોઈ અણગમો કે નારાજગી નથી. અનારબેને બાંભણીયા તેમજ અલ્પેશ કથીરિયા અને વરુણ પટેલ સહિતના અન્ય આંદોલનકારીઓની મુલાકાત આનંદીબેન સાથે ટૂંક સમયમાં જ કરાવી આપવાની ખાતરી આપી હતી.
આ સમગ્ર ઘટનાક્રમથી ગુજરાતના રાજકારણમાં એક નવો જ વળાંક આવ્યો છે, જ્યાં ભૂતકાળના આંદોલનકારીઓ અને નેતાઓ વચ્ચેના સંબંધોમાં સુધારાની દિશામાં હકારાત્મક પહેલ જોવા મળી રહી છે. આંદોલન દરમિયાન થયેલા સંઘર્ષો અને તેના પરિણામોને લઈને હવે સમાજમાં પરિપક્વતા અને સમાધાનની ભાષા વતી રહી છે. દસ વર્ષ અગાઉના કડવા આસવાદને ભૂલીને હવે બંને પક્ષો એકબીજાના ભોગ અને મુશ્કેલીઓને સમજી રહ્યા છે. અનામતની જોગવાઈથી આજે સમાજના યુવાનો અને અધિકારીઓને થયેલા ફાયદાઓની સાથેસાથે રાજકીય સંકલન અને ભવિષ્યની સાવચેતી અંગે પણ આ મંચ પરથી મહત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.
