રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામની ચાર સરવે નંબરની ખેતીની જમીન સુધી પહોંચવાના રસ્તાને લઈને ઊભજ થયેલા વિવાદમાં ન્યાયાલયે એક મહત્ત્વપૂર્ણ હુકમ કર્યો છે. આ કેસની વિગત મુજબ, સુરત ખાતે રહેતા વલ્લભભાઈ પ્રાગજીભાઈ રાબડીયાએ પડધરીના ઉકરડા ગામમાં આવેલી રેવન્યુ સરવે નંબર 23, 237/2, 241 અને 250 ની ખેતીની જમીન પોતાની હોવાનો દાવો કર્યો હતો. તેઓ ભાયુભાગથી ઉતરોતર રેવન્યુ રેકર્ડ મુજબ આ જમીન ધરાવતા હોવાનું જણાવીને, આ જમીન સુધી આવવા-જવા માટે રે.સ.નં. 41 ની પૂર્વ તરફના શેઢા પાસેથી છેલ્લા ૨૪ વર્ષથી રસ્તાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે તેમણે પાચીબેન અવચરભાઈ રાબડીયા સહિતના પ્રતિવાદીઓ સામે કાયમી મનાઈહુકમ મેળવવા માટે કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન પ્રતિવાદીઓ તરફથી રાજકોટના જાણીતા એડવોકેટ રાકેશ ટી. કોઠિયાએ કોર્ટમાં ઉપસ્થિત રહીને દાવા તથા વચગાળાની મનાઈહુકમની અરજી સામે વિસ્તૃત લેખિત જવાબો અને મજબૂત વાંધાઓ રજૂ કર્યા હતા. એડવોકેટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે વાદી દ્વારા અગાઉ રજૂ કરવામાં આવેલા પંચરોજકામમાં પણ પ્રતિવાદીઓની ખેતીની જમીનના પૂર્વ તરફના શેઢેથી વાદીના ખેતરમાં જવા-આવવા માટેનો કોઈ જ રસ્તો હકીકતમાં નજરે પડતો નથી. વાદીના દાવાને સમર્થન આપે તેવા કોઈ નક્કર પુરાવાઓ રેકોર્ડ પર ઉપલબ્ધ ન હોવાની દલીલો પ્રતિવાદી પક્ષ દ્વારા કરવામાં આવી હતી, જેણે કેસનું ચિત્ર સ્પષ્ટ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
બંને પક્ષોની વિસ્તૃત રજૂઆતો, રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓ તેમજ પંચરોજકામની વિગતોને ગંભીરતાથી ધ્યાને લઈને પડધરી કોર્ટે કાનૂની પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે હાલના તબક્કે વાદી દ્વારા જે પ્રકારે વચગાળાનો મનાઈહુકમ માંગવામાં આવ્યો છે, તે આપવો કાયદાકીય કે ન્યાયિક દ્રષ્ટિએ યોગ્ય જણાતો નથી. આથી, અદાલતે વાદીની આંક-5ની વચગાળાના મનાઈહુકમની અરજીને અધિકૃત રીતે નામંજૂર ફરમાવી હતી. આ સમગ્ર કેસમાં પ્રતિવાદીઓ તરફથી કુશળ વકીલોની ટીમ જેમાં એડવોકેટ રાકેશ ટી. કોઠીયા, એન.આર. કોઠિયા, વિવેક અકબરી અને નીશાંત આર. ગોસ્વામીએ પોતાની વકીલાતની કુશળતા દર્શાવી હતી.
