કેરળના મલપ્પુરમ જિલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચે એક મહત્વપૂર્ણ ચૂકાદામાં અગ્રણી ઇલેક્ટ્રોનિક્સ કંપની સેમસંગ ઇન્ડિયાને ગ્રાહકને રૂ. 35,500 ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલાની શરૂઆત વર્ષ 2018માં થઈ હતી, જ્યારે મલપ્પુરમના રહેવાસી સકીર વી.પી.એ રૂ. 39,000 ની કિંમતે સેમસંગ કંપનીનું એસી ખરીદ્યું હતું. ખરીદી કરતી વખતે કંપની દ્વારા લાંબી વોરંટીનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, છ વર્ષ બાદ મે 2025માં એસીમાં કૂલિંગ સંબંધિત ખામી સર્જાતા અધિકૃત સર્વિસ સેન્ટર દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં તેનું પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ (PCB) ખામીયુક્ત હોવાનું બહાર આવ્યું હતું.
સર્વિસ સેન્ટરે શરૂઆતમાં સર્કિટ બોર્ડ બદલવા માટે ગ્રાહક પાસેથી રૂ. 2,500 વસૂલ્યા હતા, પરંતુ ત્યારબાદ બજારમાં જરૂરી સ્પેરપાર્ટ ઉપલબ્ધ ન હોવાનું કારણ ધરીને એસી રિપેર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કંપનીએ રિપેરિંગ ન થવા પર રૂ. 2,000 તો પરત કર્યા પરંતુ વિઝિટિંગ ચાર્જ પેટે રૂ. 500 પોતાની પાસે જ રાખી લીધા હતા. આ બાબતથી રોષે ભરાયેલા ગ્રાહકે ગ્રાહક પંચના દરવાજા ખખડાવ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. કંપનીએ પોતાના બચાવમાં તર્ક આપ્યો હતો કે એસીનો વપરાશ છ વર્ષ જૂનો થઈ ગયો હતો અને સ્પેરપાર્ટ્સ ન મળવાને કારણે સમારકામ અશક્ય હતું, જોકે પંચે આ દલીલ ફગાવી દીધી હતી.
ગ્રાહક પંચે ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે માત્ર વોરંટી પૂરી થઈ જવી કે સ્પેરપાર્ટ ઉપલબ્ધ ન હોવો એ ગ્રાહકને સમારકામના અધિકારથી વંચિત રાખવાનું બહાનું બની શકે નહીં. ઉત્પાદક કંપનીની મુખ્ય જવાબદારી ગ્રાહકને જરૂરી સ્પેરપાર્ટ્સ પૂરી પાડવાની છે. પંચે સેમસંગ કંપનીને આદેશ આપ્યો છે કે તે ગ્રાહકને વળતર પેટે રૂ. 20,000, સેવા ખામી બદલ રૂ. 10,000, કાનૂની ખર્ચના રૂ. 5,000 અને વસૂલેલો રૂ. 500 વિઝિટિંગ ચાર્જ પરત કરે. આ ઉપરાંત, કંપનીએ આગામી 45 દિવસમાં ખામીયુક્ત એસી પોતાના ખર્ચે ગ્રાહકના ઘરેથી પરત લઈ જવાનું રહેશે અને જો નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો વાર્ષિક 9 ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે.
