JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

સુરતના ખેડૂત પુત્ર-પુત્રીએ કૂડો નેશનલ ટૂર્નામેન્ટમાં ચાર મેડલ જીતી દેશભરમાં ગામનું નામ રોશન કર્યું

સુરતના ખેડૂત પુત્ર-પુત્રીએ કૂડો નેશનલ ટૂર્નામેન્ટમાં ચાર મેડલ જીતી દેશભરમાં ગામનું નામ રોશન કર્યું
ઓલપાડના સેગવાછામા ગામના ખેડૂત દંપતીના સંતાનોએ અમદાવાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કૂડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ ચાર મેડલ પોતાના નામે કર્યા છે.

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ગત 13 થી 18 નવેમ્બર દરમિયાન 17મી કૂડો નેશનલ ટૂર્નામેન્ટ, 18મી અક્ષયકુમાર ઇન્ટરનેશનલ કૂડો ટૂર્નામેન્ટ અને 7મા ફેડરેશન કપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માર્શલ આર્ટ્સના આ મહાકુંભ સમાન મેદાનમાં દેશભરમાંથી 5,437 થી વધુ ઉત્સાહી ફાઇટર્સ અને સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કૂડો ઇન્ડિયાના ફાઉન્ડર અને હેડ કોચ હાંશી મેહુલ વોરા તેમજ શિહાન વિસ્પી ખરાડીના સચોટ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી, જેમાં સુરતના પ્રતિભાશાળી યુવા ખેલાડીઓએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા અંતર્ગત આવતા સેગવાછામા ગામના સામાન્ય ખેડૂત જિજ્ઞેશભાઈ રામુભાઈ પટેલના પુત્ર દેવાંશ અને પુત્રી દેવાંશીએ આ કઠિન સ્પર્ધામાં પોતાની પ્રતિભાના જોરે ધમાકેદાર દેખાવ કર્યો હતો. અગાઉ પણ આ બંને ભુલકાઓ ગત વર્ષે કૂડો ગુજરાત સ્ટેટ ટૂર્નામેન્ટમાં બબ્બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે, જે તેમની ઉત્કૃષ્ટ રમતપ્રતિભાની સાક્ષી પૂરે છે. ખેડૂત પરિવારમાંથી આવતા હોવા છતાં આ ભાઈ-બહેને આર્થિક કે અન્ય મર્યાદાઓને બાજુ પર મૂકીને માત્ર પોતાની મહેનત અને લગ્નના બળે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સફળતા મેળવી છે.

આ ભવ્ય સ્પર્ધામાં દેવાંશી પટેલે 13 વર્ષની ગર્લ્સ કેટેગરીમાં 45 કિ.ગ્રા. વજન જૂથની નેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે તેના ભાઈ દેવાંશ પટેલે 10 વર્ષની બોયઝ કેટેગરીમાં 36 કિ.ગ્રા. વજન જૂથની નેશનલ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં સિલ્વર મેડલ અને ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ એમ કુલ ત્રણ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આયોજકો દ્વારા આ બંને પ્રતિભાશાળી ભુલકાઓને મેડલ અને સન્માનપત્ર આપીને ગૌરવભેર નવાજવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર સેગવાછામા ગામ અને સુરત જિલ્લામાં ખુશીની લહેર દોડી ગઈ છે.

સ્પોર્ટ્સ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES