નવા વર્ષના પર્વને અનુલક્ષીને મોરબી ખાતે આવેલા પવિત્ર જડેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની અને મોરબી જિલ્લા લઘુમતિ વિભાગના જિલ્લા મહિલા પ્રમુખ જિન્નતબેન મોડની વિશેષ આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા હોદ્દેદારો અને કાર્યકરોએ ઉત્સાહભેર ઉપસ્થિતિ નોંધાવી હતી. રાજકીય ગતિવિધિઓ અને સંગઠનાત્મક ચર્ચાઓ વચ્ચે યોજાયેલા આ સમારંભે સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ ફુંક્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાએ ખાસ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જોશનાબેન સહિત અનેક દિગ્ગજ આગેવાનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી. સમારંભ દરમિયાન સંગઠન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ટંકારા શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મીનાબેન ત્રિવેદીનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત કાર્યકરોમાં ભારે જોશ ભર્યો હતો.
સમારોહના મુખ્ય આકર્ષણ તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના વરદ્ હસ્તે નવા નિયુક્ત પદાધિકારીઓને નિમણૂક પત્રો એનાત કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી તાલુકા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે નેહલબા રાઠોડ અને વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે એકતાબા ઝાલાની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત બંને મહિલા પ્રમુખોને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને કાર્યકરોએ ફૂલહાર પહેરાવીને તેમજ મોં મીઠું કરાવીને ભાવી સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
