વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં નર્મદા યોજનાની કેનાલોની હાલત અત્યંત દયનીય અને શોચનીય બની ગઈ છે. તાલુકાના અનેક વિસ્તારોમાં કેનાલોમાં મોટા ગાબડાં પડ્યા છે તો ક્યાંક કેનાલો ઝાડી-ઝાંખરા અને કચરાથી અટવાઈ ગઈ છે. સ્થિતિ એવી છે કે ખેતરોના મધ્યમાંથી કેનાલો પસાર થતી હોવા છતાં ખેડૂતોને સિંચાઈ માટે એક ટીપું પાણી પણ મળતું નથી. લસુન્દ્રા ગામની વાત કરીએ તો ત્યાં કેનાલ બની ત્યારથી આજદિન સુધી પાણી પહોંચ્યું જ નથી, જ્યારે જાવલા ગામે કેનાલ ઓવરફ્લો થવાથી પાણીનો દરરોજ વેડફાટ થઈ રહ્યો છે. ગોદામપુરા અને રાણીપુરા પંથકમાં પણ કેનાલો તૂટેલી હાલતમાં જોવા મળતા ખેડૂતોની ચિંતાઓમાં ભારે વધારો થયો છે.
કેનાલોની આ જર્જરિત હાલત પાછળ દર વર્ષે થતી સફાઈ અને રિપેરીંગની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની આશંકા સ્થાનિક ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તકલાદી કામો અને નબળી જાળવણીના કારણે જ્યાં પાણી પહોંચે છે ત્યાં કેનાલો તૂટી જવાથી ઊભા પાકમાં પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે. આ ગંભીર સમસ્યા અંગે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પણ લેખિત રજૂઆત કરીને મુખ્યમંત્રીને તાલુકાના ખેડૂતોની કફોડી હાલતથી માહિતગાર કર્યા છે. તેમ છતાં જમીની વાસ્તવિકતામાં કોઈ સુધારો જોવા મળ્યો નથી અને ખેડૂતો પોતાની રોજીરોટી બચાવવા માટે અસહાય બનીને બેસી રહ્યા છે.
સિંચાઈના પાણીના અભાવે ખેડૂતો પોતાના મહામૂલો પાકને સુકાતો અટકાવવા માટે હજારો ફૂટ દૂરથી પાઇપલાઇન જોડીને ડીઝલ એન્જિન અને પંપની મદદથી પાણી ખેંચવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે તેમના આર્થિક બોજામાં પણ વધારો થઈ રહ્યો છે. આ મામલે ડેપ્યુટી એન્જિનિયર ફૈસલ ખલપાએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ઉગેલા ઝાડી-ઝાંખરાને કારણે લીકેજ અને ગાબડા પડે છે, જેના માટે એજન્સી નક્કી કરી લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સફાઈ તેમજ સમારકામની કામગીરી પૂર્ણ કરી દેવાશે. જો કે, ખેડૂતોની આ વેદનાને જોતા તંત્ર દ્વારા માત્ર વચનો આપવાને બદલે તાત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર ઉતરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.
