JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

વેરાવળમાં આગામી શુક્રવારે વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયાના ઓપરેશન માટે મેગા કેમ્પનું આયોજન

વેરાવળમાં આગામી શુક્રવારે વિનામૂલ્યે નેત્ર નિદાન અને મોતિયાના ઓપરેશન માટે મેગા કેમ્પનું આયોજન
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે શિવાનંદ મિશન વિરનગર અને જન સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન તથા ઓપરેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં આંખના વિવિધ રોગોની નિઃશુલ્ક સારવાર સાથે જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન અને નેત્રમણી બેસાડવાની સુવિધા પૂરી પાડવામાં આવશે.

વેરાવળમાં આગામી તા. ૧૯ ના રોજ શુક્રવારે સવારે ૭:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન જન સમાજ સેવા સંઘ (સ્વ. રમેશ મસાણી બ્લડ બેંક) ખાતે એક વિશેષ નેત્ર નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રામબેન અનિલભાઈ પારેખના ઉદાર સૌજન્યથી તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ ગીર સોમનાથ અને જન સમાજ સેવા સંઘ વેરાવળના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા આ માનવસેવા યજ્ઞમાં શિવાનંદ મિશન વિરનગર પોતાની નિષ્ણાત તબીબી સેવાઓ આપશે. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ અને વંચિત વર્ગના નાગરિકોને ઉત્તમ આંખની સારવાર ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવાનો છે.

આ કેમ્પ દરમિયાન આંખના વિવિધ સામાન્ય તેમજ જટિલ રોગો જેવા કે આમર, વેલ, નાસુર, પરવાળા, આંખ આંજણી તેમજ કીડી કે અન્ય કચરો પડી જવાની સમસ્યાઓનું નિષ્ણાત તબીબો દ્વારા ચોક્કસ નિદાન કરવામાં આવશે અને દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. આ ઉપરાંત, તપાસ દરમિયાન જે દરદીઓને મોતિયાની ઓપરેશનની આવશ્યકતા જણાશે તેમની પસંદગી કરીને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ આંખમાં અત્યાધુનિક નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીઓની સગવડને ધ્યાનમાં રાખીને ઓપરેશન માટે જરૂરિયાતમંદ દરદીઓને તે જ દિવસે બસ દ્વારા વિરનગાર હોસ્પિટલ લઈ જવામાં આવશે અને ઓપરેશન બાદ ત્રીજા દિવસે તેમને સુરક્ષિત રીતે વેરાવળ પરત પહોંચાડવામાં આવશે.

આ સેવાકીય કેમ્પનો લાભ લેવા માટે ઈચ્છુક દર્દીઓએ નોંધણી અને સારવારાર્થે આવતીકાલે પોતાના અસલ આધારકાર્ડ તેમજ ચાલુ મોબાઈલ નંબર સાથે લાવવાનું અનિવાર્ય છે. આ કેમ્પ અંગેની વધુ માહિતી કે માર્ગદર્શન મેળવવા માટે આયોજકો દ્વારા જયંતિભાઈ આંજણીનો (મોબાઈલ નંબર: 92282 34561) સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. સ્થાનિક સ્તરે યોજાતા આ નેત્ર નિદાન કેમ્પથી અસંખ્ય નેત્રહીન કે નબળી દ્રષ્ટિવાળા દર્દીઓના જીવનમાં નવો પ્રકાશ પથરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES