JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

મોરબીમાં નેશનલ હાઈવે પર મોતને આમંત્રણ આપતો ડમ્પરનો વિડીયો વાયરલ

મોરબીમાં નેશનલ હાઈવે પર મોતને આમંત્રણ આપતો ડમ્પરનો વિડીયો વાયરલ
મોરબીમાં વાહનચાલકોની ગંભીર બેદરકારી સામે આવી છે, જ્યાં નેશનલ હાઈવે પર પાછળનો દરવાજો જોખમી રીતે લટકાવેલી હાલતમાં પસાર થતા ડમ્પરનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગને કારણે નાગરિકોની સુરક્ષા સામે મોટો ખતરો ઉભો થયો છે.

મોરબી પંથકમાં વાહનચાલકોની બેદરકારીના કારણે અકસ્માતોનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તાજેતરમાં જ શનાળા રાજપર રોડ પર ઓવરલોડ માલવાળી બોલેરો ગાડીનો વિડીયો વાયરલ થયાની ઘટના હજી વિસરાઈ નથી, ત્યાં સતત બીજા દિવસે વધુ એક જોખમી કિસ્સો સામે આવ્યો છે. ટીંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતા એક ડમ્પરનો પાછળનો દરવાજો એક બાજુથી તૂટીને જોખમી રીતે લટકી રહ્યો હતો. છતાં ડમ્પર ચાલકે વાહન રોકીને તેને સુધારવાની તસ્દી સુદ્ધાં લીધી નહોતી અને બેફામપણે હાઇવે પર વાહન દોડાવ્યું હતું.

આ પ્રકારે ખુલ્લા અને લટકતા દરવાજા સાથે દોડતા ભારે વાહનોને કારણે પાછળ કે બાજુમાંથી પસાર થતા અન્ય વાહનચાલકો માટે ગંભીર જીવલેણ અકસ્માત સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. જો આ લટકતો દરવાજો અચાનક તૂટી પડે કે અન્ય વાહન સાથે અથડાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. તેમ છતાં આવા બેજવાબદાર ચાલકો સામે ટ્રાફિક પોલીસ કે તંત્ર દ્વારા કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે આ ચાલકોના હોંસલા વધુ બુલંદ બન્યા છે અને તેઓ રાહદારીઓ તથા અન્ય વાહનચાલકોના જીવન સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ આ જ વિસ્તાર એટલે કે ટીંબડી પાટીયા પાસે પ્લેટ વગરના ડમ્પર ચાલકે એક બાઈકને હડફેટે લેતા પિતા અને છ વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે માતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાંથી પણ તંત્ર કે બેજવાબદાર ચાલકોએ કોઈ જ બોધપાઠ લીધો નથી. ફરીથી તે જ જગ્યાએથી આવા જોખમી વાહનો બેરોકટોક પસાર થઈ રહ્યા છે, ત્યારે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે તેવો સચોટ અને ગંભીર સવાલ સ્થાનિક જનતા દ્વારા ઉઠી રહ્યો છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES