અમદાવાદમાં શનિવારે યોજાનારી પ્રખ્યાત પંજાબી ગાયક દિલજીત દોસાંજની મ્યુઝિકલ કોન્સર્ટને લઈને યુવાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય આયોજનમાં કાયદો અને વ્યવસ્થા તેમજ નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ અને સાયબર ક્રાઈમ પોલીસે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. સામાન્ય રીતે પોલીસના સૂચનો કંટાળાજનક લાગતા હોય છે, પરંતુ આ વખતે પ્રશાસને યુવાનોની ભાષામાં જ તેમને સમજાવવા માટે એકદમ ક્રિએટિવ અભિગમ અપનાવ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
ટ્રાફિક પોલીસે દિલજીતની લોકપ્રિય સ્ટાઈલ 'પંજાબી આ ગયે ઓયે' પરથી પ્રેરણા લઈને શાનદાર મેસેજ વહેતો કર્યો છે કે, કન્સર્ટમાં ભલે 'પંજાબી આ ગયે ઓયે'ના નારા ગુંજે, પરંતુ જો ટ્રાફિક નિયમો તોડશો તો 'અમદાવાદ ટ્રાફિક પોલીસ આ ગઈ ઓયે' સાંભળવા મળશે. પોલીસે જણાવ્યું હતું કે અસલી સ્વાગ મ્યુઝિકમાં નહીં પરંતુ સુરક્ષિત રહેવામાં છે. રસપ્રદ વાત તો એ છે કે ખુદ ગાયક દિલજીત દોસાંજે પણ ટ્રાફિક પોલીસની આ રચનાત્મક પોસ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ પર રીશેર કરીને પોલીસના આ અનોખા પ્રયાસને સમર્થન આપ્યું છે.
दूसरी તરફ, સાયબર ક્રાઈમ પોલીસે પણ કન્સર્ટના નામે ચાલી રહેલા ઓનલાઈન કૌભાંડો સામે લોકોને લાલબત્તી ધરી છે. 'દિલજીત કે ગાનો કે દિવાને બનો, ઓનલાઈન ઠગો કે શિકાર ના બનો' જેવા પંજાબી અંદાજમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને ફ્રી પાસ કે વીઆઈપી એક્સેસની લાલચ આપતા ફેક અકાઉન્ટ્સ અને શંકાસ્પદ લિંક્સથી દૂર રહેવાની કડક ચેતવણી આપવામાં આવી છે. પોલીસના આ ડબલ પ્રહારે માત્ર મનોરંજન સાથે જાગૃતિનો અનોખો સંદેશ આપીને લોકોને સાવચેત કરી દીધા છે.
