દેશભરની નામાંકિત ખાનગી અને કોર્પોરેટ હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતા તોતિંગ ચાર્જ અને સારવારના નામે ચાલતી કથિત લૂંટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સર્વોચ્ચ અદાલત દ્વારા આ મામલે અગાઉ કડક વલણ અપનાવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે હવે જન સ્વાસ્થ્ય અભિયાન તેમજ વર્કિંગ ગ્રૂપ ઓન એક્સેસ ટુ મેડિસિન્સ એન્ડ ટ્રીટમેન્ટ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સંસ્થાઓના દાવા મુજબ દેશના વિવિધ શહેરોમાં ચેઇન ધરાવતી મોટી કોર્પોરેટ હોસ્પિટલો પોતાના પ્રત્યેક બેડ દીઠ વાર્ષિક ૨૨ લાખથી લઈને ૫૫ લાખ રૂપિયા સુધીની ધરખમ કમાણી કરી રહી છે.
અહેવાલમાં દર્શાવ્યા મુજબ આવી હોસ્પિટલોમાં દર્દીનો દૈનિક સારવાર ખર્ચ ૬૦,૦૦૦ થી લઈને ૭૮,૦૦૦ રૂપિયા સુધી પહોંચી જાય છે, જેમાં રૂમ, બેડ અને દવાઓનો ખર્ચ સામેલ હોય છે. દર્દીને જો થોડા દિવસ પણ દાખલ રહેવું પડે તો સામાન્ય પરિવારનું બજેટ સંપૂર્ણ ખોરવાઈ જાય છે અને બિલ લાખોમાં પહોંચે છે. આ ઉપરાંત દર્દી કે તેમના પરિવારજનોને હોસ્પિટલ પરિસરમાંથી જ મોંઘા ભાવની દવાઓ તેમજ સર્જિકલ સાધનો ખરીદવા મજબૂર કરવામાં આવે છે. બહારથી વ્યાજબી ભાવે દવા ખરીદવાની કોઈ છૂટ અપાતી નથી, જેથી દર્દીઓની લાચારીનો ખુલ્લેઆમ ગેરફાયદો ઉઠાવાય છે.
નફાખોરીના આંકડા અત્યંત આઘાતજનક છે; બજારમાં માત્ર ૫૫ રૂપિયામાં મળતા ઓક્સિજન માસ્ક માટે દર્દીઓ પાસેથી ૫૭૦ રૂપિયા વસૂલાય છે, જ્યારે માત્ર ૬૩ પૈસાની સોયના બિલમાં ૪ રૂપિયા લગાવીને ૫૩૫ ટકા જેટલો અકલ્પનીય નફો મેળવવામાં આવે છે. કોરોના કાળમાં પણ જીવનજરૂરી દવાઓ પર બેફામ ચાર્જ વસૂલવામાં આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને તબીબી નિષ્ણાતોએ ખાનગી હોસ્પિટલોના દર નિયંત્રિત કરવા, દવાઓ-ઉપકરણો પર નફાની મહત્તમ મર્યાદા નક્કી કરવા અને બિલિંગ સંબંધી ફરિયાદોના નિવારણ માટે સ્વતંત્ર નિયમનકારી તંત્ર રચવાની પ્રબળ માંગ ઉઠાવી છે.
