JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

દેશની કોર્પોરેટ હોસ્પિટલોમાં બેફામ લૂંટ: દર્દીના એક બેડ દીઠ વાર્ષિક ૫૫ લાખ સુધીનો અધધ નફો

Oct 06, 2026 | 10:02 | By JAMNAGAR MIRROR
દેશની કોર્પોરેટ હોસ્પિટલોમાં બેફામ લૂંટ: દર્દીના એક બેડ દીઠ વાર્ષિક ૫૫ લાખ સુધીનો અધધ નફો

દેશમાં આરોગ્ય સેવાઓ હવે સેવાના બદલે જંગી નફો કમાવવાનો વ્યવસાય બની ગઈ હોય તેવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. દેશની અગ્રણી કોર્પોરેટ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી પ્રતિ બેડ દરરોજ સરેરાશ ૬૨ હજારથી ૭૩ હજાર રૂપિયા સુધીનું તોતિંગ બિલ વસૂલી રહી છે. તમામ ખર્ચ, કરવેરા અને સંચાલન ખર્ચ બાદ કર્યા પછી પણ આ હોસ્પિટલો એક બેડ દીઠ રોજના ૯ હજારથી ૧૧ હજાર રૂપિયાથી વધુનો ચોખ્ખો નફો કમાઈ રહી છે. એક વિશ્લેષણ અનુસાર, કેટલીક પ્રભાવશાળી હોસ્પિટલોમાં તો પ્રતિ બેડ વાર્ષિક ચોખ્ખો નફો અધધ ૩૮ લાખથી ૫૫ લાખ રૂપિયા સુધી પહોંચી રહ્યો છે, જે દર્દીઓ પર લાદવામાં આવતા અસહ્ય આર્થિક બોજની ગંભીર વાસ્તવિકતા દર્શાવે છે.

આ તોતિંગ કમાણી પાછળનું મુખ્ય કારણ દવાઓ અને સર્જિકલ સામગ્રી પર વસૂલવામાં આવતો અંધાધૂંધ નફો છે. મોટાભાગની હોસ્પિટલો દર્દીઓને માત્ર પોતાની જ ફાર્મસીમાંથી દવાઓ અને સાધન-સામગ્રી ખરીદવા માટે મજબૂર કરે છે. સામાન્ય બજારમાં નજીવી કિંમતે મળતી દવાઓ કે સોય હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ચારથી બાવન ગણા ભાવે દર્દીઓને પધરાવવામાં આવે છે. સર્જિકલ સેટ પર ૫૩૫ ટકા, પીપીઈ કિટ પર ૨૪૩ ટકા અને આઈસીયુ સેટ પર ૧,૨૭૯ ટકા જેટલું તોતિંગ માર્જિન વસૂલાય છે. તેવી જ રીતે કર્ણાટકમાં ૯૬ રૂપિયાનું ઇન્જેક્શન ૪,૪૧૬ ટકાના નફા સાથે ૪,૫૨૮ રૂપિયામાં અને મહારાષ્ટ્રમાં ૩૩ રૂપિયાનું સામાન્ય પેરાસિટામોલ ઇન્જેક્શન ૧,૧૪૫ ટકાના વધારા સાથે ૪૦૮ રૂપિયામાં વેચવામાં આવી રહ્યું છે.

આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોના મતે, દેશમાં મજબૂત અને પ્રભાવી નિયમનકારી વ્યવસ્થાના અભાવે આવી કોર્પોરેટ હોસ્પિટલો સંપૂર્ણપણે બેફામ બની ગઈ છે. હોસ્પિટલોના નિયમન માટે કાયદાકીય જોગવાઈઓ હોવા છતાં, સારવારના ખર્ચ અને નફાની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં તંત્ર સાવ નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો વચ્ચેના તાલમેલના અભાવે તેમજ સરકારી તંત્રની ઉદાસીનતાને કારણે દર્દીઓનું ખુલ્લેઆમ આર્થિક શોષણ થઈ રહ્યું છે. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે હવે ગંભીર બીમારીઓની સારવાર કરાવવી અશક્ય બની રહી છે ત્યારે આ લૂંટ પર તાત્કાલિક લગામ લગાવવી અનિવાર્ય બની ગઈ છે.

LATEST ARTICLES