શિનોર ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ગામના નાગરિકોને પાણી, વીજળી અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે સતત સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં પંચાયતના સ્વ-ભંડોળ તેમજ સરકારી અનુદાનોની સહાયથી ગામના વિવિધ વિસ્તારોમાં પેવરબ્લોક નાખવાની કામગીરી, સી.સી. રસ્તાઓનું નિર્માણ અને ગટર લાઇન જેવા વિકાસના કાર્યો પૂરઝડપે ચાલી રહ્યા છે. ગ્રામ પંચાયતની આ સક્રિય અને પારદર્શક કામગીરીને કારણે સમગ્ર ગામમાં સંતોષ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દરમિયાન, છેલ્લા કેટલાક સમયથી કોલોની વિસ્તાર માટે બનેલી પાણીની ટાંકી સાથે જોડાયેલા નાના બોર અને મોટરની મર્યાદિત ક્ષમતાના કારણે સ્થાનિક રહીશોને પૂરતા દબાણથી પાણી ન મળવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પંચાયત દ્વારા તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ મંજૂર કરાવવામાં આવી હતી. આ નવા ૨૦ ફૂટના બોર નિર્માણ કાર્યની શરૂઆત માટે આજરોજ વિશેષ ખાતમુહૂર્ત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં તમામ કામગીરીનો શુભારંભ કરાયો હતો.
આ આસ્થાભર્યા પ્રસંગે જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ તથા અગ્રણી સચિન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો શૈલેષ વસાવા, જયદીપ વસાવા અને ઉપસરપંચ નિતિન ખત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિધિવત રીતે શ્રીફળ વધેરીને નવા બોરની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે ગ્રામ અગ્રણીઓએ પંચાયતના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પંચાયત હંમેશાં ગ્રામજનોની સુખાકારી માટે ચિંતિત રહે છે અને આ નવા બોરના કાર્યથી કોલોની તેમજ આસપાસના વિસ્તારોના લોકોને પણ હવે પૂરતા ફોર્સથી પાણી મળી રહેશે.
