ગયા અઠવાડિયે આસામના કાઝિરંગા વિસ્તારમાં એક મિની બસ અને કન્ટેનર ટ્રક વચ્ચે થયેલી અત્યંત ગંભીર અથડામણમાં ઓછામાં ઓછા ૨૬ લોકોના મોત નીપજ્યા હતા અને આ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. બેંગ્લોરમાં નોકરી કરતા રાહુલ ગોલા અને નિકિતા ગોલા પણ તેમના માસૂમ પુત્ર દેવ સાથે આ જ મિની બસમાં મુસાફરી કરી રહ્યા હતા, જેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ભયાનક અકસ્માતમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થતાં તેમને જોરહાટ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માતની અાફરાતફરીમાં નાનું બાળક પરિવારથી અલગ થઈ ગયું હતું અને તેને નજીકની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું.
માતા-પિતા બંને અત્યંત નાજુક સ્થિતિમાં આઈસીયુમાં સારવાર હેઠળ હોવાને કારણે શરૂઆતના ચાર દિવસ સુધી આ માસૂમ બાળકની ઓળખ થઈ શકી નહોતી. જોકે, બોકાખાટની હોસ્પિટલ દ્વારા સ્વસ્થ જાહેર કરાયા બાદ બુધવારે બાળકને ગોલાઘાટની ચાઇલ્ડ વેલ્ફેર કમિટીને સોંપવામાં આવ્યું હતું. આ દરમિયાન એક પડોશીના સ્માર્ટફોન પર પ્રસારિત થયેલા વીડિયો ક્લિપ દ્વારા બાળકના નાના-નાનીએ તેને ઓળખી કાઢ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી દસ્તાવેજોની ચકાસણી અને ખરાઈ કર્યા બાદ, બાળકના માતા-પિતા સંપૂર્ણ સાજા ન થાય ત્યાં સુધી બાળકની હંગામી સંભાળ રાખવા માટેનો અધિકૃત કબજો તેના સ્વજનોને સોંપવામાં આવ્યો છે.
આ દુર્ઘટના બાદ રાજ્યમાં માર્ગ સલામતી મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરાઈ છે અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રોડ સેફ્ટીને વધુ મજબૂત બનાવવા માટે એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અને ૧૨-સૂત્રીય એક્શન પ્લાનની જાહેરાત કરી છે. ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાનો અને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા કડક પગલાં લેવાનો નિર્ધાર કર્યો છે.
