ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની આગામી સીઝન પહેલા ક્રિકેટ જગતમાં મોટો હલચલ મચી ગઈ છે, કારણ કે તમામ દસ ફ્રેન્ચાઇઝીઓએ તેમની રિટેન્શન અને રિલીઝ પ્રક્રિયા પૂર્ણ કરીને ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) દ્વારા લેવામાં આવ્યો છે, જેણે પોતાના મેચ વિનર ઓપનર ટ્રેવિસ હેડને ટીમમાંથી રિલીઝ કરી દીધો છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે ટ્રેવિસ હેડ આ સીઝનથી બહાર રહી શકે તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે. હેડે ગત વર્ષોમાં હૈદરાબાદ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ હવે ફ્રેન્ચાઇઝીએ ભવિષ્યની રણનીતિને ધ્યાનમાં રાખીને આ કડક પગલું ભયુર્ં છે. સનરાઇઝર્સ દ્વારા હેડ ઉપરાંત કમિન્ડુ મેન્ડિસ, જયદેવ ઉનડકટ અને શિવમ માવી જેવા ખેલાડીઓને પણ ટીમમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
બીજી તરફ, દિલ્હી કેપિટલ્સે પણ મોટો ફેરફાર કરતા સ્ટાર બોલર મિશેલ સ્ટાર્કને રિલીઝ કરી દીધો છે. સ્ટાર્ક ઉપરાંત દિલ્હીની ટીમે નીતિશ રાણા, અભિષેક પોરેલ, બેન ડકેટ અને કરુણ નાયર જેવા ખેલાડીઓને પણ બહારનો રસ્તો દેખાડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) જેવી લોકપ્રિય ટીમોએ પણ પોતાની ટીમમાં મોટા ફેરફારો કર્યા છે. સીએેસકે દ્વારા એમએસ ધોની સહિત મેટ શોર્ટ અને કુલદીપ યાદવ જેવા ખેલાડીઓને રિલીઝ કરાયા છે, જેણે ચાહકોને ચોંકાવી દીધા છે. મુંબઈ ઈન્ડિયન્સે પણ ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર અને મયંક માર્કંડેય જેવા અનુભવી ખેલાડીઓને ટીમની બહાર રાખવાનો નિર્ણય લીધો છે.
આ તમામ ફ્રેન્ચાઇઝીઓના આ મોટા નિર્ણયો પાછળ આગામી મિની ઓક્શન અને યુવા ખેલાડીઓને મોકો આપવાની રણનીતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ અજિંક્ય રહાણે, મથીસા પથિરાણા અને ઉમરાન મલિક જેવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) એ નોર્કિયા અને હસરંગા જેવા વિદેશી ખેલાડીઓ પરથી ભરોસો ઉઠાવ્યો છે. ગુજરાત ટાઇટન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને અન્ય ટીમોએ પણ પોતાની ટીમનું સંતુલન જાળવવા માટે મહત્વપૂર્ણ ખેલાડીઓને રિલીઝ કર્યા છે. હવે તમામની નજર આગામી હરાજી પર રહેશે, જ્યાં આ દિગ્ગજ ખેલાડીઓ માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે જબરદસ્ત રસાકસી જોવા મળી શકે છે.
