JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

મોહિત ઉલ્વાની શાનદાર બેટિંગ જોઈ ગાવસ્કર થયા પ્રભાવિત, સરખામણી ધોની સાથે કરી

મોહિત ઉલ્વાની શાનદાર બેટિંગ જોઈ ગાવસ્કર થયા પ્રભાવિત, સરખામણી ધોની સાથે કરી
અંડર-19 એશિયા કપની ફાઇનલમાં રોમાંચક વિજય અપાવનાર મોહિત ઉલ્વાની બેટિંગથી પ્રભાવિત થઈને સુનીલ ગાવસ્કરે તેની સરખામણી એમ.એસ. ધોની સાથે કરી છે અને 2011ના વર્લ્ડ કપની યાદો તાજી થઈ હોવાનું જણાવ્યું છે.

ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપ 2026ના ખિતાબી મુકાબલામાં પાકિસ્તાન સામે ભારતીય યુવા ટીમે અદભુત પ્રદર્શન કરીને રોમાંચક વિજય મેળવ્યો હતો. એક સમયે ભારતીય ટીમ હારની નજીક હતી અને 252 રનના સ્કોર પર આઠમી વિકેટ પડી ગઈ હતી, ત્યારે નીચલા ક્રમના બેટ્સમેન મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વાએ મેદાન પર અદભુત જુસ્સો દેખાડ્યો હતો. ભારતે અંતિમ આઠ ઓવરમાં તોફાની 86 રન ફટકારીને એક વિકેટે ઐતિહાસિક જીત નોંધાવી હતી. 10મા ક્રમે બેટિંગ કરવા આવેલા મોહિતે માત્ર 26 બોલમાં 188.46ના સ્ટ્રાઈક રેટથી અણનમ 49 રન બનાવ્યા હતા અને અંતિમ બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

યુવા બેટ્સમેન મોહિત ઉલ્વાની આ અદ્ભુત અને સંકટમોચક ઈનિંગથી પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર અત્યંત પ્રભાવિત થયા છે. એક સ્પોર્ટ્સ ચેનલ સાથેની વાતચીતમાં ગાવસ્કરે પ્રશંસા કરતા જણાવ્યું કે મોહિતે મેદાન પર એમ.એસ. ધોની જેવી જ શાંતિ અને પરિપક્વતા દાખવી હતી. તે બિલકુલ 'આઈસમેન'ની જેમ રમ્યો, ક્રીઝ પર પગ મૂકતા જ ચોગ્ગો ફટકાર્યો અને ત્યારબાદ પણ સંપૂર્ણપણે શાંત રહ્યો. જીત બાદ તેણે હેલ્મેટ ઉતારીને નીચે મૂક્યું અને હાથ ઊંચા કરીને જે પ્રકારે વિજયની ઉજવણી કરી, તે દ્રશ્ય ખરેખર અવિસ્મરણીય અને નજરે જોવા જેવું હતું.

ગાવસ્કરે મોહિતની આ જીતની ઉજવણીના અંદાજને વર્ષ 2011ના વનડે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ધોનીએ ફટકારેલા વિજયી છગ્ગાની યાદગાર ક્ષણ સાથે સરખાવી હતી. તેમણે ઉમેર્યું કે જો તે પરિસ્થિતિમાં ધોની હોત, તો કદાચ તેમણે પણ આ જ રીતે મેચ ફિનિશ કરી હોત. આ સાથે ગાવસ્કરે સમગ્ર યુવા ભારતીય ટીમની પ્રશંસા કરતા કહ્યું કે અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ ખેલાડીઓએ અંત સુધી હાર ન માની અને પોતાનું લક્ષ્ય પૂરું કરીને ભવ્ય વિજય મેળવ્યો, જે આ યુવા ખેલાડીઓની મજબૂત માનસિકતા દર્શાવે છે.

LATEST ARTICLES