JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ચેન્નાઈમાં BISના દરોડા: અયાપાક્કમ ખાતેથી ૧૧૩ બિનઅધિકૃત ISI માર્કાવાળા પાણીના કેન જપ્ત

ચેન્નાઈમાં BISના દરોડા: અયાપાક્કમ ખાતેથી ૧૧૩ બિનઅધિકૃત ISI માર્કાવાળા પાણીના કેન જપ્ત
બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા ચેન્નાઈના અયાપાક્કમ વિસ્તારમાં આવેલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર યુનિટ પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન વેરિફિકેશન વગર આઈ.એસ.આઈ. (ISI) માર્કનો ગેરકાયદે ઉપયોગ કરતા ૧૧૩ ભરેલા કેન અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે.

ચેન્નાઈ સ્થિત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના અધિકારીઓ દ્વારા અયાપાક્કમ વિસ્તારના થિરુવેરકાડુ રોડ પર આવેલી 'એમ/એસ ટાઈમ પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર' નામની કંપની પર ખાસ એન્ફોર્સમેન્ટ દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કંપનીમાં કોઈપણ પ્રકારના માન્ય લાયસન્સ વગર ગ્રાહકોને ગેરમાર્ગે દોરીને આઈ.એસ.આઈ. (ISI) માર્કાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. તપાસ ટીમે સ્થળ પરથી ૨૦ લીટરની ક્ષમતા ધરાવતા ૧૧૩ ભરેલા પાણીના કેન, અંદાજે ૧,૬૦૦ નંગ નકલી લેબલ્સ તેમજ ૧૦૩ ખાલી કેન જપ્ત કર્યા હતા, જેના પર અનધિકૃત રીતે BIS સ્ટાન્ડર્ડ માર્ક છાપેલો હતો.

આ જપ્ત કરાયેલી તમામ સામગ્રી પર ભારતીય ધોરણ IS 14543 અને BIS લાયસન્સ નંબર CM/L-0006458380 નો સંદર્ભ દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવિકતામાં આ યુનિટ પાસે કોઈ કાયદેસરની પરવાનગી નહોતી. BIS ચેન્નાઈ બ્રાન્ચ ઓફિસના સિનિયર ડિરેક્ટર અને હેડ એસ.ડી. દયાનંદે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ઉત્પાદન માટે પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત નથી, પરંતુ જો કોઈ ઉત્પાદક પોતાના ઉત્પાદનો પર આઈ.એસ.આઈ. (ISI) માર્ક પ્રદર્શિત કરવા માંગતો હોય તો તેણે ફરજિયાતપણે માન્ય BIS લાયસન્સ મેળવવું અનિવાર્ય છે.

કંપની દ્વારા કરવામાં આવેલ આ ગેરકાયદેસર અને અનધિકૃત ઉપયોગ બદલ BIS એક્ટ, ૨૦૧૬ હેઠળ સખત જોગવાઈઓ છે. કાયદાના નિયમો અનુસાર આ પ્રકારના ગુનામાં બે વર્ષ સુધીની જેલની સજા, દંડ અથવા બંને પ્રકારની શિક્ષા થઈ શકે છે. BIS તંત્ર દ્વારા હાલ આ મામલે સઘન તપાસ શરૂૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં સંબંધીત પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર યુનિટ વિરુદ્ધ ફોજદારી કેસ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LATEST ARTICLES