JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગોધરા જિલ્લા પંચાયત ખાતે ભવ્ય પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

ગોધરા જિલ્લા પંચાયત ખાતે ભવ્ય પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ગોધરામાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનજાતિ સમાજના યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહના ભાગરૂપે ગોધરા જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાના જીવનકથા, તેમના સંઘર્ષો અને દેશની આઝાદીમાં તેમણે આપેલા અતુલ્ય બલિદાનને યાદ કરીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે રાજ્યના મહેસૂલ મંત્રી સંજયસિંહ મહીડાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, માત્ર ૨૫ વર્ષની અત્યંત નાની વયે ભગવાન બિરસા મુંડાએ બ્રિટિશ શાસન સામે મજબૂત અવાજ ઉઠાવીને જનજાતિ સમાજના મૌલિક અધિકારો અને સ્વાભિમાન માટે લડત ચલાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૨૧માં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઘોષિત કરીને ઉજવવાનો લેવાયેલો ઐતિહાસિક નિર્ણય દેશના આદિવાસી નાયકો પ્રત્યેની સાચી શ્રદ્ધાંજલિ સમાન છે.

આ સંમેલનમાં વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડિયાએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશના સર્વાંગી વિકાસમાં જનજાતિ સમાજનું યોગદાન અનન્ય રહ્યું છે અને તેને હંમેશા ગૌરવભેર યાદ રાખવું જોઈએ. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ નીરજભાઈ પટેલ, ધારાસભ્ય સી.કે. રાઉલજી, નિવાસી અધિક કલેકટર જે.જે. પટેલ, પ્રાયોજના અધિકારી ડી.આર. પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત પ્રબુદ્ધ નાગરિકો અને મોટી સંખ્યામાં સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી.

LATEST ARTICLES