વડોદરા શહેરના ગીચ ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં આવેલી દલા પટેલ કી પોલ ખાતે શનિવારે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં સોની પરિવારના 47 વર્ષીય માતા આરતીબેન સોની, તેમના 24 વર્ષીય પુત્ર નીલકંઠ અને 27 વર્ષીય પુત્રી જેનીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ત્રિપલ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ એફએસએલ (FSL) ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘરમાંથી ત્રણેયના મૃતદેહ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઘટનાની વિગતો મુજબ, મૃતક પરિવારના વડા ચેતનભાઈ સોનીનું અગાઉ દોઢ વર્ષ પહેલાં અવસાન થયું હતું અને આઝનો દિવસ તેમના સ્વર્ગસ્થ વડાનો જન્મદિવસ હતો, જે દિવસે જ પરિવારના બાકીના સભ્યોએ આ પ્રકારનું ગંભીર પગલું ભર્યું છે. ઘરનો એસી ચાલુ હોવા છતાં લાંબા સમય સુધી દરવાજો ન ખૂલતા કામ માટે આવેલી મહિલાને શંકા ગઈ હતી, જેના આધારે સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું. તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ ઘરના અલગ-અલગ પંખા પર લટકેલા મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક પંચનામું કરી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને ઘરેલું નોકર તેમજ આસપાસના લોકોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
આ ત્રિપલ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અસમંજસમાં છે, કારણ કે પ્રાથમિક તપાસમાં પરિવારને કોઈ આર્થિક મુશ્કેલી હોવાનું સામે આવ્યું નથી. મૃતક આરતીબેન સોની એક આયુર્વેદિક હોસ્પિટલના વ્યવસાયમાં ભાગીદાર હતા અને તાજેતરમાં જ તેમણે એક નવો ફ્લેટ પણ ખરીદ્યો હતો, તેમ તેમના વ્યવસાયિક ભાગીદારે પણ સમર્થન આપ્યું છે. આર્થિક સધ્ધરતા અને કોઈ મોટો વિવાદ ન હોવા છતાં એક જ પરિવારના ત્રણ સભ્યો દ્વારા આ પ્રકારે સામૂહિક અંતિમ પગલું કેમ ભરવામાં આવ્યું તે પોલીસ માટે પણ મોટો કોયડો બન્યો છે. હાલ પોલીસ તમામ શક્ય ખૂણાઓ અને ફોરેન્સિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને આ ગંભીર રહસ્યનો તાગ મેળવવાની દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
