સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર રોશની, ફટાકડા અને મીઠાઈઓની મિઠાશ સાથે ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ઘર-આંગણે દીવા પ્રગટે છે અને લોકો એકબીજાને મળીને ખુશીઓ વહેંચે છે, પરંતુ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ પંથકમાં વર્ષોથી ચાલી આવતી એક એવી હૃદયસ્પર્શી પરંપરા આજે પણ અકબંધ છે જે માનવતા અને સ્વજનો પ્રત્યેના અતૂટ પ્રેમની સાક્ષી પૂરે છે. આ વિસ્તારમાં પ્રચલિત રિવાજ મુજબ, જો કોઈ પરિવારમાં અથવા નજીકના સગા-સંબંધીઓમાં દિવાળીના તહેવારથી બે થી છ મહિના અગાઉ કોઈ વ્યક્તિનું અવસાન થયું હોય, તો તે શોકાતુર પરિવાર દ્વારા પ્રથમ દિવાળીએ ઘરમાં કોઈ મીઠાઈ બનાવવામાં આવતી નથી.
તહેવારની ખુશીઓ વચ્ચે પણ સ્વજન ગુમાવ્યાનો ખાલીપો અને વેદના અનુભવતા આ પરિવારો મીઠાઈની મીઠાશથી દૂર રહીને પોતાના વ્હાલા સ્વજનને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર એકલો અટૂલો પડી ન જાય તે માટે ગામના લોકો મોટી સંખ્યામાં તેમના ઘરે સાંત્વના આપવા માટે પહોંચે છે. પરિવારના દુઃખમાં સમગ્ર ગામ સહભાગી બને છે અને આપત્તિ કે શોકના આ સમયમાં સામાજિક એકતાનું એક સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
માત્ર શોકગ્રસ્ત પરિવાર જ નહીં, પરંતુ તેમની સાથે ગાઢ સંબંધ ધરાવતા સગા-સંબંધીઓ પણ તે વર્ષે તે સંબંધમાં દિવાળીની હર્ષોલ્લાસ ભરી ઉજવણી તેમજ મીઠાઈની આપ-લે કરવાનું ટાળે છે. આ પરંપરા સ્પષ્ટપણે સાબિત કરે છે કે ભૌતિક તહેવારોની ભવ્યતા કરતા આપસના સંબંધોની મિઠાશ અને સંવેદનાઓ ઘણી વધારે કિંમતી હોય છે. આધુનિકતાના યુગમાં પણ પોતાની સંસ્કૃતિ અને માનવીય મૂલ્યોને જીવંત રાખતી વાવ-થરાદ પંથકની આ પ્રથા સમગ્ર રાજ્યમાં એક અનુકરણીય ઉદાહરણ પૂરું પાડે છે.
