JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

ગોંડલમાં સ્ટ્રીટ લાઈટ નાખવા મુદ્દે વિવાદ: નગરપાલિકા સદસ્યના પતિ અને નાગરિક વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ

ગોંડલમાં સ્ટ્રીટ લાઈટ નાખવા મુદ્દે વિવાદ: નગરપાલિકા સદસ્યના પતિ અને નાગરિક વચ્ચેની ઉગ્ર બોલાચાલીનો ઓડિયો વાયરલ
ગોંડલના ગુંદાળા રોડ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ફિટ કરવા બાબતે નગરપાલિકા સદસ્યના પ્રતિનિધિ અને સ્થાનિક નાગરિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ટેલિફોનિક વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ઘટનાની વિગતો મુજબ, ગોંડલના ગુંદાળા રોડ પર વોર્ડ નં-૮ માં આવેલી એક સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ નાખવા માટે સ્થાનિક નાગરિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે જ્યારે નાગરિકે નગરપાલિકાના વોર્ડ નં-૮ ના સદસ્યના પ્રતિનિધિ રસિક વિરડીયા સાથે ટેલિફોનિક વાતચીત કરી, ત્યારે શરૂઆતની સામાન્ય વાતચીત થોડી જ વારમાં ઉગ્ર શાબ્દિક યુદ્ધમાં ફેરવાઈ ગઈ હતી. અરજદારનું કહેવું હતું કે એન્જિનિયરે સ્થળ તપાસ કરી છે અને નિયમ મુજબ જરૂરિયાત પ્રમાણે દરેક થાંભલે લાઈટ હોવી જોઈએ, જ્યારે સામે પક્ષે સદસ્યના પ્રતિનિધિએ રવિવારની રજા હોવાનું અને નિયમાનુસાર માત્ર એક જ લાઈટ મંજૂર થયાનું જણાવ્યું હતું.

વાતચીત દરમિયાન બંને પક્ષો વચ્ચે "ઘરે હાજર રહેવા" અને જનપ્રતિનિધિ તરીકેની "ફરજ" બાબતે તીખી દલીલો થઈ હતી. અરજદારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમને પોતાની ડેલીના સામેના થાંભલા પર લાઈટની ખાસ જરૂર છે. જેના જવાબમાં સદસ્યના પ્રતિનિધિએ રવિવાર હોવાનો હવાલો આપી કામકાજ અંગે વાત કરી હતી. જોતજોતામાં મામલો એટલો વણસ્યો કે બંને તરફથી ઉગ્ર શબ્દોનો પ્રયોગ થયો હતો અને વાતચીત આક્રોશપૂર્ણ બની ગઈ હતી. અરજદારે આક્ષેપ કર્યો હતો કે જનપ્રતિનિધિના પ્રતિનિધિ દ્વારા નાગરિકો સાથે યોગ્ય સભ્યતાથી વાત કરવામાં આવતી નથી અને તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે.

આ સમગ્ર મામલાનો ઓડિયો વાયરલ થતાં ગોંડલના સ્થાનિક રાજકારણમાં અને નાગરિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવતી પાયાની અને રોજીંદા જીવનની રજૂઆતો સાંભળતી વખતે જનપ્રતિનિધિઓ કે તેમના પ્રતિનિધિઓનો અભિગમ કેવો હોવો જોઈએ તે અંગે સવાલો ઉભા થયા છે. સત્તાવાર પ્રતિનિધિઓ અને પ્રજા વચ્ચેના સંવાદમાં વધી રહેલી કડવાશ અને આક્રોશની આ ઘટના હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

LATEST ARTICLES