બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક પ્રભાવશાળી રાજકીય શક્તિપ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો અને મૂલ્યોને જાળવી રાખવાના સંકલ્પ સાથે 'અરાજકતા હટાવો, લોકતંત્ર બચાવો'ના નારાઓ ગુંજતા કરવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત આયોજિત વિશાળ પદયાત્રામાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો ઉત્સાહભેર જોડાયા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
આ પદયાત્રાનો પ્રારંભ પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર ખાતેથી કરાયો હતો, જ્યાંથી તે શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. આ વિશેષ આયોજનમાં ગુજરાત સરકારના કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓ ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોર સહીત અનેક દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓની હાજરીએ આ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો અને શાસન તથા સંગઠન વચ્ચેના મજબૂત સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, સ્થાનિક ધારાસભ્યો તેમજ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નેતાઓ અને કાર્યકરોએ કદમ મિલાવીને આગળ વધતી આ યાત્રા દ્વારા જનતાને અરાજકતા વિરુદ્ધ જાગૃત કરી લોકતંત્રની મજબૂતાઈ પર ભાર મૂક્યો હતો. શિસ્તબદ્ધ રીતે યોજાયેલી આ પદયાત્રાથી ભાજપે આગામી સમય માટે પોતાની સંગઠનાત્મક તાકાત અને લોકમત પરની પકડનું વધુ એક વખત સફળ પ્રદર્શન કર્યું છે.
