JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

હવાનું પ્રદૂષણ બન્યું આર્થિક બોજ: રાજકોટ સહિત ગુજરાતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમમાં મોટો ઉછાળો

હવાનું પ્રદૂષણ બન્યું આર્થિક બોજ: રાજકોટ સહિત ગુજરાતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેઈમમાં મોટો ઉછાળો
હવાનુ પ્રદૂષણ હવે માત્ર આરોગ્ય જ નહીં પરંતુ આર્થિક મોરચે પણ મોટું જોખમ બની ગયું છે, જ્યાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં પ્રદૂષણ સંલગ્ન વીમા દાવાઓમાં ૩.૭ ગણો અને રાજકોટમાં ૫૧૧ ટકાનો જંગી વધારો નોંધાયો છે.

પોલીસી બજાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ચોંકાવનારા અહેવાલ મુજબ, ગુજરાતના છ મુખ્ય જિલ્લાઓમાં પ્રદૂષણ આધારિત આરોગ્ય વીમા દાવાઓની સંખ્યામાં વર્ષ ૨૦૨૩ના ૪૦૮ કેસોથી વધીને વર્ષ ૨૦૨૬માં ૧,૫૦૫ જેટલી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ આંકડાઓ દર્શાવે છે કે હવાની બગડતી ગુણવત્તા માત્ર શ્વસન તંત્રને જ પ્રભાવિત નથી કરી રહી, પરંતુ સામાન્ય નાગરિકોના ખાતા પર પણ આર્થિક ભારણ વધારી રહી છે. ખાસ કરીને વલસાડમાં આ પ્રદૂષણમાં સૌથી વધુ ૯ ગણો વધારો જોવા મળ્યો છે, જ્યારે રાજકોટમાં પણ વીમા દાવાઓ પાંચ ગણા કરતાં વધુ એટલે કે ૫૧૧ ટકાના ધરખમ વધારા સાથે ૧૦૪ પર પહોંચ્યા છે. રાજ્યના અન્ય મહાનગરો જેવા કે અમદાવાદમાં ૫૬૧, વડોદરામાં ૩૬૭ અને સુરતમાં પણ ૩૬૭ જેટલા વીમા દાવા નોંધાયા છે, જે સમગ્ર રાજ્ય માટે ચિંતાનો વિષય છે.

આ વીમા દાવાઓના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના કેસો શ્વસન અને હૃદયરોગ સાથે સંકળાયેલા છે. કુલ દાવાઓમાંથી ૩૮ ટકા કેસો શ્વાસોશ્વાસની બિમારીના, ૩૨ ટકા હૃદય-ધમનીના અને ૧૭ ટકા કેસો ન્યુમોનિયાના હોવાનું સામે આવ્યું છે. એટલે કે દસમાંથી સાત દર્દીઓ માત્ર શ્વાસ અને હૃદયની ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તબીબી નિષ્ણાતો અને પોલિસી બજારના આંકડા મુજબ, ઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન જ્યારે હવાની ગુણવત્તા સૌથી નબળી રહે છે, ત્યારે ૫૫ થી ૬૦ ટકા જેટલા કેસો નોંધાયા છે. દિવાળીના ફટાકડાના ધુમાડા અને બદલાતા વાતાવરણને કારણે શ્વાસ સંબંધિત રોગોમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે, જે સીધી રીતે પ્રદૂષણ સાથે જોડાયેલો છે.

આ ગંભીર સમસ્યાનો ભોગ બનનારાઓમાં સૌથી મોટો વર્ગ સક્રિય યુવા અને વયસ્ક વસ્તીનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કુલ વીમા દાવાઓમાંથી ૬૭ ટકા કેસો ૩૧ થી ૫૫ વર્ષની વય જૂથના લોકોના છે, જે દર્શાવે છે કે પ્રદૂષણની આ માૂડી માત્ર વૃદ્ધો પર જ નહીં પરંતુ કામકાજ અર્થે બહાર નીકળતા યુવાનો અને આધેડો પર પણ ભારે પડી રહી છે. આ ઉપરાંત, ૫૫ વર્ષથી વધુ ઉંમરના ૨૩ ટકા, ૨૧ થી ૩૦ વર્ષના ૮ ટકા અને ૨૦ વર્ષથી ઓછી વયના ૩ ટકા લોકો આનો ભોગ બન્યા છે. હવાનુ પ્રદૂષણ હવે માત્ર એક પર્યાવરણીય મુદ્દો ન રહેતા નાગરિકોના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર બંને માટે મોટું જોખમ બની ગયું છે, ત્યારે આ દિશામાં નક્કર પગલાં લેવા સમયની માંગ છે.

LATEST ARTICLES