વિશ્વની જાણીતી સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી કંપની ઇન્ટેલના કર્મચારીઓ દ્વારા સોશિયલ મીડિયા અને ચર્ચા મંચો પર કંપનીમાં નોકરીકાપના નવા દોરની જાહેરાત કરવામાં આવી છે. આ અહેવાલો અનુસાર, કંપનીની વૈશ્વિક આઈટી ટીમમાંથી મોટા પ્રમાણમાં કર્મચારીઓને દૂર કરવામાં આવી રહ્યા છે અને કેટલાક કર્મચારીઓને તેમના પદ્દ રદ થવાની જાણ પણ કરી દેવામાં આવી છે. જો કે, આ છટણીથી કુલ કેટલા કર્મચારીઓ પ્રભાવિત થયા છે અને કયા સ્થળો પર તેની અસર પડી છે તેની સત્તાવાર વિગતો હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવી નથી. આ મામલે ઇન્ટેલના પ્રવક્તાએ જણાવ્યું છે કે કંપનીને વધુ કેન્દ્રિત અને કાર્યક્ષમ બનાવવાની વ્યાપક રણનીતિ અંતર્ગત સંસાધનો અને પ્રાથમિકતાઓને યોગ્ય રીતે ગોઠવવા માટે સમીક્ષા કરવામાં આવી રહી છે.
કંપનીના સીઈઓ લિપ-બુ ટાનના નેતૃત્વ હેઠળ ઇન્ટેલ પોતાની કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચમાં ઘટાડો કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. વર્ષ ૨૦૨૫ના અંતની સરખામણીએ ઇન્ટેલ વર્ષ ૨૦૨૬ના અંતિમ ત્રિમાસિક ગાળામાં ૪,૦૦૦ ઓછા કર્મચારીઓ સાથે આગળ વધી રહી છે. કેલિફોર્નિયાના શ્રમ કાયદા હેઠળ જુલાઈથી ઓક્ટોબર દરમિયાન કંપની દ્વારા નોટિસ ફાઇલ કરવામાં આવી હતી, જેમાં ડેટા સેન્ટર અને એઆઈ ગ્રૂપ સહિત ૨૨૨ કર્મચારીઓ પ્રભાવિત થયા હોવાની વિગતો સામે આવી છે. આ ઉપરાંત, ઓક્ટોબરના અંતમાં ફોલ્સમ કેમ્પસમાં ૬૭ કાયમી કર્મચારીઓની છટણીની નોટિસ પણ સામે આવી હતી, જે દર્શાવે છે કે કંપની લાંબા સમયથી ખર્ચ નિયંત્રણ માટે સક્રિય છે.
ઇન્ટેલ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, ૨૬ સપ્ટેમ્બર સુધીમાં કંપનીના કુલ કર્મચારીઓની સંખ્યા ઘટીને ૮૧,૧૦૦ પર પહોંચી ગઈ છે, જેમાં ઇન્ટેલના પોતાના તેમજ મોબાઈલએ અને અન્ય સહાયક કંપનીઓના કર્મચારીઓ સામેલ છે. વર્ષ ૨૦૨૫ના અંતમાં આ આંકડો ૮૫,૧၀၀ હતો અને તેનાથી એક વર્ષ અગાઉ તે ૮૮,૪૦૦ હતો. જો કે કેલિફોર્નિયાની બહારના ઓવરસીઝ કર્મચારીઓ અને નાના સ્તરના ઘટાડા આ આંકડાકીય મર્યાદાઓમાં આવતા નથી, પરંતુ વૈશ્વિક સ્તરે ટેકનોલોજી ક્ષેત્રે ચાલી રહેલા મંદીના માહોલ વચ્ચે ઇન્ટેલનું આ પગલું તેના ઓપરેશનલ ખર્ચને કાબૂમાં લેવાના મોટા બદલાવ તરફ ઈશારો કરે છે.
