JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
શિક્ષણ

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો માટે મોટા રાહતના સમાચાર, કોર્ટે ફગાવ્યો ટ્રમ્પનો વિઝા નિયમનો પ્રસ્તાવ

અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો માટે મોટા રાહતના સમાચાર, કોર્ટે ફગાવ્યો ટ્રમ્પનો વિઝા નિયમનો પ્રસ્તાવ
અમેરિકી ફેડરલ કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના વિદેશી વિદ્યાર્થીઓ અને પત્રકારોના રોકાણની મુદત મર્યાદિત કરતા પ્રસ્તાવને રદ કર્યો છે. આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે.

અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન સેવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અત્યંત રાહતજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા જુલાઈ મહિનામાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં રોકાણની મહત્તમ મર્યાદા ચાર વર્ષ કરવાની વાત હતી. આ નિયમ હેઠળ ચાર વર્ષથી વધુ સમય રહેવા માટે ફેડરલ મંજૂરી લેવી અનિવાર્ય બનાવવામાં આવી હતી. એટલું જ નહીં, વિદેશી પત્રકારો માટે પણ રોકાણની મુદત ઘટાડીને માત્ર 240 દિવસ કરવાનો અને અભ્યાસ પૂરો થયા પછીનો 'ગ્રેસ પિરિયડ' પણ ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેના કારણે વિશ્વભરના વિદ્યાર્થીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

આ મામલે બોસ્ટન ફેડરલ કોર્ટના ન્યાયાધીશ એફ. ડેનિસ સેલરે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા ટ્રમ્પ વહીવટીતંત્રના આ પ્રસ્તાવને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. કોર્ટે DHS ના આ પગલાને મનસ્વી, ગેરવાજબી અને સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. ન્યાયાધીશે સ્પષ્ટ શબ્દોમાં નોંધ્યું હતું કે કાયદો DHS ને F-1 વિઝા પ્રોગ્રામને નબળો પાડવા માટે આવી વ્યાપક સત્તાઓ આપતો નથી. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ કોર્ટે આ પ્રસ્તાવિત નિયમ પર વચગાળાનો રોક લગાવ્યો હતો. મધ્યસત્ર ચૂંટણીમાં પરાજય બાદ કોર્ટનો આ નિર્ણય અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રશાસન માટે એક મોટો રાજકીય અને કાનૂની ઝટકો માનવામાં આવી રહ્યો છે.

કોર્ટના આ ઐતિહાસિક નિર્ણયનું શૈક્ષણિક સંસ્થાઓ અને ડાયસ્પોરા સંગઠનો દ્વારા ભારે હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે. 'ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ' (FIIDS) અને 'પ્રેસિડેન્ટ્સ એલાયન્સ ઓન હાયર એજ્યુકેશન એન્ડ ઇમિગ્રેશન' જેવા અગ્રણી સંગઠનોએ આને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને યુનિવર્સિટીઓ માટે મોટી જીતણ ગણાવી છે. નિષ્ણાતોના મતે, આ નિર્ણયથી અમેરિકન વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન અને નવીનતાના ભવિષ્યને સુરક્ષિત રાખવામાં મોટી મદદ મળશે. લાંબા સમયથી અમલમાં રહેલી 'ડ્યુરેશન ઓફ સ્ટેટસ' નીતિ યથાવત રહેવાથી વિદ્યાર્થીઓ હવે નિશ્ચિંતાપૂર્વક પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

LATEST ARTICLES