જામનગર શહેરમાં ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરાવવા અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના હેતુસર પોલીસ વડા (એસપી) ડો. રવિમોહન સૈનીની વિશેષ સૂચનાના આધારે ગઈરાત્રે એક મેગા નાઈટ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અભિયાન અંતર્ગત સિટી એ ડિવિઝન પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) સહિતની વિવિધ પોલીસ ટીમોએ શહેરના વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તારો જેવા કે પવનચક્કી, તળાવની પાળ અને દરબારગઢ સર્કલ સહિતના મુખ્ય ચોકીઓ પર સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસની આ અચાનક આવેલી કડક કાર્યવાહીથી ટ્રાફિકના નિયમો નેવે મૂકીને ફરતા વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.
આ રાત્રિ ચેકિંગ દરમિયાન પોલીસની ટીમોએ ટ્રાફિક નિયમોના ભંગ કરતા અનેક ગંભીર કેસો પકડી પાડ્યા હતા. જેમાં ખાસ કરીને વાહનોના કાચ પર કાળી ફિલ્મ લગાડીને ફરતી ૪૬ જેટલી મોટરકારો ઝડપાઈ હતી, જેની સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાયદાની પરવાહ કર્યા વગર નંબર પ્લેટ વગર દોડતા ૪૩ વાહનો તેમજ નિયમ વિરુદ્ધની ફેન્સી નંબર પ્લેટ લગાડેલા ૧૨ વાહનો પણ પોલીસના ધ્યાને આવ્યા હતા. શહેરમાં બેફિકરાઈ અને બેજવાબદાર રીતે વાહન ચલાવીને નિર્દોષ નાગરિકોના જાન જોખમમાં મૂકનારા ચાર બેફામ ચાલકો સામે પોલીસે કાયદેસરના ગુના નોંધીને જેનીલ કાર્યવાહી હાથ ધરી હતી.
આ સઘન ડ્રાઈવ દરમિયાન માત્ર દસ્તાવેજો કે નંબર પ્લેટ જ નહીં, પરંતુ નશાની હાલતમાં વાહન હંકારીને કાયદો અને વ્યવસ્થા સામે જોખમ ઊભું કરતા ચાર નશાખોર ચાલકો પણ પોલીસના સકંજામાં આવી ગયા હતા. ટ્રાફિકના નિયમોના સરેઆમ ભંગ બદલ પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ કડક પગલાં લઈને કુલ ૧૫ વાહનોને ડીટેઈન કરી પોલીસ સ્ટેશન ખસેડ્યા હતા. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ટ્રાફિક નિયમભંગ કરનાર વાહનચાલકો પાસેથી સ્થળ પર જ કુલ રૂા. ૫૧,૮૦૦નો જંગી રોકડ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ આક્રમક કામગીરીથી ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા તત્વોમાં મોટો સંદેશો ગયો છે.
