પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરતી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના જાણીતા રોટલીયા હનુમાન રોડ પર આવેલા શ્રેય મોલ ખાતે બપોરના સમયે અચાનક ગોળીબારનો અવાજ ગુંજી ઉઠતા આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મોલના કમ્પાઉન્ડમાં આવેલા એક જીમની બહાર ઊભેલા શખ્સને નિશાન બનાવીને એક બુકાનીધારી હુમલાખોરે ઉપરાછાપરી છ જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. ધોળા દિવસે થયેલા આ સનસનાટીભરી ગોળીબારથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે ભય અને દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રાથમિક તપાસ અને લોકચર્ચા અનુસાર, આ હુમલો ચર્ચાસ્પદ બનેલા જિલિયા કાંડના મુખ્ય આરોપી દલપૂજી ઠાકોરને લક્ષ્ય બનાવીને કરવામાં આવ્યો હોવાની પ્રબળ સંભાવના વ્યક્ત થઈ રહી છે. ઘટનાને અંજામ આપ્યા બાદ બુકાનીધારી હુમલાખોર ત્વરિત ત્યાંથી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. દિનદહાડે બનેલી આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પાટણ જિલ્લા પોલીસ વડા સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનનો કાફલો, એલસીબી (LCB), એસઓજી (SOG) અને એફએસએલ (FSL) ની વિશેષ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો.
પોલીસ અને એફએસએલની ટીમે ઘટનાસ્થળેથી કારતૂસના ખાલી ખોખા અને અન્ય ફોરેન્સિક પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. આ મામલે અસામાજિક તત્વોના મનોબળને તોડી નાખવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ફરાર હુમલાખોરની ઓળખ કરવાનું અને તેને ઝડપી પાડવાનું ચક્ર તેજ કર્યું છે. જૂની અદાવત કે અન્ય કોઈ અંગત અદાલતના કારણે આ ખતરનાક હુમલો થયો છે કે કેમ, તે દિશામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને ગુનેગારોને કાયદાનું ભાન કરાવવા માટે વિવિધ ટીમો કામે લગાડવામાં આવી છે.
