નવી દિલ્હીમાં યોજાયેલી FICCI ની વાર્ષિક કોન્વેન્શનમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ એન. એસ. રાજા સુબ્રમણીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દેશની સુરક્ષાને ક્યારેય આઉટસોર્સ કરી શકાય નહીં અને આપણા સુરક્ષાના પાયા કાયમ માટે અન્ય દેશો પર આધારિત ન હોવા જોઈએ. તેમણે 'આત્મનિર્ભરતા'ની વ્યાખ્યા આપતા તેને નિર્ણય લેવાની સ્વતંત્રતા, કાર્ય કરવાની ક્ષમતા અને પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત ગણાવી હતી. આ લક્ષ્યને હાંસલ કરવા માટે તેમણે સશસ્ત્ર દળો અને મજબૂતindustrial ecosystem વચ્ચે ગાઢ સંકલન પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદ્યોગ જગતને માત્ર ખરીદનાર અને વેચનારના પરંપરાગત સંબંધોથી આગળ વધીને સંયુક્ત નિર્માણ (co-creation), ટેક્નોલોજી ભાગીદારી અને વ્યૂહાત્મક તૈયારીઓ તરફ આગળ વધવા આહ્વાન કર્યું હતું.
દેશના સંરક્ષણ ઉદ્યોગના ઇતિહાસને યાદ કરતા CDS એ વોલચંદ હીરાચંદના યોગદાનને બિરદાવ્યું હતું, જેમણે 1940માં બેંગ્લોરમાં હિન્દુસ્તાન એરક્રાફ્ટની સ્થાપના કરી હતી અને વિશાખાપટ્ટનમમાં શિપયાર્ડનું નિર્માણ શરૂ કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાષ્ટ્રીય ક્ષમતાઓ હંમેશાં અનુકૂળ સંજોગોની રાહ જોઈ શકતી નથી, પરંતુ ઓર્ડર કે માંગ ઊભી થાય તે પહેલાં જ અગાઉથી ક્ષમતાઓનું નિર્માણ કરવું પડે છે. 'વિકસિત ભારત'ના વિઝન સાથે દેશની સુરક્ષા સીધી રીતે જોડાયેલી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે વેપાર માટે કનેક્ટિવટી, ઉદ્યોગ માટે સુરક્ષા અને આર્થિક સમૃદ્ધિ માટે રોકાણની સલામતી અનિવાર્ય છે. સુરક્ષા એ કોઈ એવો ખર્ચ નથી જે વિકાસ પછી કરવામાં આવે, પરંતુ તે વિકાસ સાથે જ આગળ વધે છે.
યુદ્ધના બદલાતા સ્વરૂપ વિશે વાત કરતા જનરલ સુબ્રમણીએ જણાવ્યું કે યુદ્ધનું મૂળ સ્વરૂપ હંમેશાં હિંસક સંઘર્ષ દ્વારા રાજકીય ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવાનું જ રહે છે, પરંતુ ટેક્નોલોજીના કારણે તેની પદ્ધતિઓ બદલાય છે. તેમણે સશસ્ત્ર દળોને પ્લેટફોર્મ-સેન્ટ્રિકથી સિસ્ટમ-સેન્ટ્રિક બનવા પર ભાર મૂક્યો હતો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના યુગમાં માત્ર ટેક્નોલોજીકલ શ્રેષ્ઠતા પૂરતી નથી, પરંતુ ઝડપથી ડેટા પ્રોસેસ કરીને નિર્ણયો લેવાની ક્ષમતા (decision superiority) સૌથી મોટો ફાયદો સાબિત થાય છે. આજના આધુનિક યુદ્ધોમાં સેન્સર, નેટવર્ક અને AI ની મદદથી લક્ષ્યોને ઝડપથી ભેદવાની ક્ષમતા જ વિજયની ચાવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
