JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

દેવભૂમિ દ્વારકાના ખીરસરામાં કિસાન કોંગ્રેસની મહાસભા: સરકારની નીતિઓ સામે ખેડૂતોનો રોષ

દેવભૂમિ દ્વારકાના ખીરસરામાં કિસાન કોંગ્રેસની મહાસભા: સરકારની નીતિઓ સામે ખેડૂતોનો રોષ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખીરસરા ગામે કિસાન કોંગ્રેસ દ્વારા ભવ્ય ખેડૂત મહાસભા યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાંથી આવેલા અગ્રણીઓએ સરકારની શોષણયુક્ત નીતિઓ સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગુજરાત કિસાન કોંગ્રેસ તથા કિસાન સમિતિના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં કિસાન આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરના નેતાઓએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા એ માત્ર એક ક્રૂર મજાક સમાન છે. આ ઉપરાંત વીજ લાઈનોના વળતરનો મુદ્દો હોય કે પાક વીમા કવચનો અભાવ હોય, ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સરકાર ઉદાસીન રહી છે અને માત્ર શોષણની નીતિ અપનાવી રહી છે.

આ મહાસભામાં ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી, દિલ્હીના કોંગ્રેસ અગ્રણી તથા ઓરિસાના પ્રભારી લાલજીભાઈ, કરસન બાપુ ભાદરકા, મુનાભાઈ આહિર, પૂર્વ સાંસદ-ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. તમામ વક્તાઓએ એકસૂરે ખેડૂતોના હકો માટે લડત અપાવાની વાત કરી હતી. નેતાઓએ જણાવ્યું હતું કે અન્નદાતાઓની વેદના સાંભળવાને બદલે શાસકો દ્વારા તેમની સતત ઉપેક્ષા કરવામાં આવી રહી છે, જે લોકશાહી માટે ઘાતક છે અને આગામી સમયમાં ખેડૂતો આનો યોગ્ય જવાબ આપશે.

સભાને સંબોધતા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે વર્ષોથી ભાજપને મત આપતા મતદારો સમક્ષ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે દારૂ અને પૈસાની રેલમછેલ વચ્ચે હવે જનતાના સાચા મતોનું કોઈ મૂલ્ય નથી રહ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભલે તેમના શરીરના 72 ટુકડા થઈ જાય, પરંતુ એક પણ ટુકડો કમલમ તરફ નહીં જાય અને લોકોને પોતાના હિત માટે જાગૃત થવા આહ્વાન કર્યું હતું. કિસાન પ્રમુખ પાલભાઈ આંબલિયાએ પણ શાસકોના મનમાં ખેડૂતોના રોષનો ડર બેસી ગયાનું કહીને આગામી ચૂંટણીમાં રાવલની જેમ કોંગ્રેસ ભવ્ય સત્તા પ્રાપ્ત કરશે તેવો દ્રઢ આશાવાદ વ્યક્ત કર્યો હતો.

LATEST ARTICLES