જૂનાગઢની પવિત્ર ગિરનારની લીલી પરિક્રમા આગામી 20 નવેમ્બરની રાત્રીએ ધાર્મિક ઉલ્લાસ સાથે આરંભ થવા જઈ રહી છે, જેમાં અંદાજે 8 થી 15 લાખ જેટલા શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. આ વર્ષે અનિયમિત અને ઓછા વરસાદને કારણે જંગલ વિસ્તારમાં પાણીની અછત તેમજ સૂકા પાંદડાને લીધે આગ લાગવાના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરી અને સઘન વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે. યાત્રિકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાથી મળી રહે તે માટે સમગ્ર રૂટ પર 51 જેટલા સ્થળોએ 5000 લિટર ક્ષમતાના ટેન્કર્સ અને નળની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, એટલું જ નહીં પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત માળવેલા ઘોડી સુધી પણ પાણી પહોંચાડવામાં સફળતા મળી છે. શ્રદ્ધાળુઓની આવાગમન સુવિધા માટે એસ.ટી. નિગમ દ્વારા 450 જેટલી વધારાની મીની બસોનું સંચાલન કરવામાં આવશે, જેનાથી ભવનાથ સુધીની સફર અત્યંત સરળ બનશે.
શ્રદ્ધાળુઓની સુરક્ષા અને વન્યપ્રાણીઓના સંરક્ષણને અગ્રતા આપીને વહીવટી અને વન વિભાગ દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ગિરનાર અભ્યારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિકના વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ચેકિંગ માટે વિશેષ સ્ક્વોડ તહેનાત રહેશે, જ્યારે ખાનગી ફોરવ્હીલ વાહનોના પ્રવેશ પર પણ રોક લગાવવામાં આવી છે. જંગલમાં વન્યજીવો જેમ કે સિંહ અને દીપડાની હાજરી તેમજ આગના ખતરાને પહોંચી વળવા માટે ફાયર બ્લોવર્સ અને પાંજરાની વ્યવસ્થાની સાથે 2500થી વધુ સુરક્ષા જવાનો અને રાજ્યના અન્ય 14 ડિવિઝનમાંથી ફાળવાયેલા 350 જેટલા અનુભવી અધિકારીઓ-કર્મચારીઓ રાઉન્ડ-ધ-ક્લોક ખડેપગે રહેશે. આ ઉપરાંત, સ્વાસ્થ્ય સેવાઓ માટે રૂટ પર 7 વિશેષ હેલ્થ યુનિટ અને બાઈક એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાવાઈ છે.
તંત્ર દ્વારા તમામ પરિક્રમાર્થીઓ માટે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે જેમાં નાના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને આ પ્રવાસ ટાળવા તેમજ પીવાનું પાણી અત્યંત વિવેકપૂર્વક વાપરવા અપીલ કરાઈ છે. રસોઈ બનાવતી વખતે અથવા અન્યથા જંગલમાં સિગારેટ, બીડી કે આગ પેદા કરતી કોઈપણ વસ્તુનો ઉપયોગ ન કરવા અને આગ સંપૂર્ણપણે બુઝાવવાની સખત સૂચના આપવામાં આવી છે. વન્યપ્રાણીઓના કુદરતી આવાવાસમાં દખલ ન કરતા નિર્ધારિત રૂટ પર જ શાંતિપૂર્વક ચાલવા અને કોઈપણ વન્યજીવ દેખાય તો તેને ઉશ્કેર્યા વગર તુરંત જ સુરક્ષા સ્ટાફને જાણ કરવા યાત્રિકોને અનુરોધ કરાયો છે.
