પંચમહાલ જિલ્લાના મુખ્યાલય ગોધરા ખાતે આવેલી સબ જેલમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પત્નીની હત્યાના ગંભીર ગુના હેઠળ છેલ્લા એક વર્ષથી ગોધરા સબ જેલમાં લાંબા સમયથી જેલવાસ ભોગવી રહેલા સુનિલ ચંદવાની નામના કાચા કામના કેદીએ પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આત્મહત્યાની આ ઘટનાને પગલે જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસ બેડામાં ભારે હડકંપ મચી ગયો હતો. કેદીએ જેલની અંદર જ આ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
મૃતક કેદી સુનિલ ચંદવાનીએ કોઈક અગમ્ય કારણોસર જેલના બાથરૂમમાં જઈને પોતાના નાઈટ પેન્ટના નાડા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ જેલ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ADM), ડીવાયએસપી (DySP), મામલતદાર તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમ તાત્કાલિક ગોધરા સબ જેલ ખાતે દોડી આવી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
આ રહસ્યમય અને દુઃખદ મૃત્યુ બાદ કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની પારદર્શક, નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ વડોદરા ખાતે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો જેલ સત્તાધીશો અને પોલીસ વિભાગ દ્વારા આ કેસમાં કયા સંજોગોમાં આપઘાત થયો તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
