અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ યોજાયેલા શોપિંગ ફેસ્ટિવલને ગ્રાહકો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો અને ડિસ્કાઉન્ટને લઈને અનેક ફરિયાદો પણ ઉઠી હતી. આ તમામ ખામીઓ અને નિષ્ફળતામાંથી બોધપાઠ લઈને હવે AMC દ્વારા શોપિંગ ફેસ્ટિવલની સીઝન-૩ ને ભવ્ય સફળતા અપાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આયોજનની ખામીઓને દૂર કરવા માટે એક ખાનગી કન્સલ્ટન્સી કંપનીને સ્ટ્રેટેજિક એડવાઇઝરી અને કન્સલ્ટન્સીની કામગીરી સોંપવાની વિશેષ દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્ત મંજૂરી માટે રજૂ કરવામાં આવશે, જેમાં ચાર કન્સલ્ટન્ટની ટીમ આગામી ત્રણ મહિના સુધી આયોજન માટે માર્ગદર્શન આપશે.
આ કન્સલ્ટન્સી સેવાઓ પાછળ થનારાર્થ ખર્ચની વિગતો અનુસાર, એક કન્સલ્ટન્ટનો માસિક ખર્ચ ૩.૩૦ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જેથી ચાર કન્સલ્ટન્ટ માટે ત્રણ મહિનાનો કુલ ખર્ચ ૩૯.૬૦ લાખ રૂપિયા થશે. આ રકમ ઉપર ૧૮ ટકા લેખે ૭.૧૨ લાખ રૂપિયાનો જીએસટી ઉમેરતા સરકાર કે કોર્પોરેશનને આ પ્રોજેક્ટ પાછળ કુલ ૪૬.૭૨ લાખ રૂપિયાનો ખર્ચ થશે. જોકે, આ આર્થિક જોગવાઈ અને દરખાસ્ત પર સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ મંજૂરી મળ્યા બાદ જ એજન્સીને કામગીરી સોંપવાની સત્તાવાર પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીની મહોર વાગ્યા પછી જ આ આયોજનને વેગ મળશે.
આ ખાનગી એજન્સી માત્ર ખરીદી કે ડિસ્કાઉન્ટ પૂરતા ફેસ્ટિવલને સીમિત નહીં રાખે, પરંતુ શહેરના વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને વેગ મળે તે માટેનો એક વિસ્તૃત રોડમેપ તૈયાર કરશે. ઇવેન્ટ મેનેજમેન્ટ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને ડિજિટલ પ્રચારની સાથે-સાથે સોશિયલ મીડિયા અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રચારની જવાબદારી પણ આ ટીમને સોંપવામાં આવશે. અગાઉની સીઝનમાં મુલાકાતીઓનો મોટો આંકડો હોવાનો દાવો છતાં યોગ્ય પરિણામ ન મળતા, આ વખતે ફૂડ, સંગીત, ફેશન અને મનોરંજનના કાર્યક્રમો સાથે વેપારીઓ અને કલાકારોનું સચોટ સંકલન સાધવામાં આવશે. આ ફેસ્ટિવલ કેટલો સફળ રહ્યો તેનું મૂલ્યાંકન કરવા માટે ખાસ કેપીઆઈ (KPI) નક્કી કરીને ભવિષ્યની સીઝન માટે એસઓપી (SOP) અને અહેવાલ તૈયાર કરવામાં આવશે.
