રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો. ખાસ કરીને મેડિસિન વિભાગની ઓપીડીમાં દર્દીઓની ભારે ભીડ ઉમટી પડતાં અંદર ઊભા રહેવાની પણ જગ્યા બચી ન હતી. શરદી, ખાંસી, તાવ તેમજ ડેન્ગ્યુ અને વાયરલ બીમારીઓના વધતા પ્રકોપ વચ્ચે હોસ્પિટલ પરિસર દર્દીઓથી છલકાઈ ગયું હતું. સ્થિતિ એવી ગંભીર સર્જાઈ હતી કે મેડિસિન વિભાગનો મુખ્ય પેસેજ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો અને દર્દીઓને છેક બહારના પરિસર સુધી લાંબી કતારો લગાવીને કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડી હતી.
આ ભારે ભીડ પાછળનું મુખ્ય કારણ મોસમી બીમારીઓની સાથે રજાઓ પણ રહ્યું છે. શુક્રવારની પૂર્ણ રજા, શનિવારનો અડધો દિવસ અને ત્યારબાદ રવિવારની રજા બાદ સપ્તાહના પ્રથમ દિવસે દવાખાનું ખુલતાં જ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર અર્થે ઉમટી પડ્યા હતા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાને કારણે અશક્ત દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકોની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી. બીજી તરફ, સતત દર્દીઓની તપાસ કરી રહેલા તબીબો પણ દર્દીઓના આવા ભારે ધસારા અને ઘોંઘાટ વચ્ચે ભારે અકળામણ અને માનસિક દબાણ અનુભવી રહ્યા હતા.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગમાં વારંવાર આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોવાથી દર્દીઓની સુવિધા માટે નક્કર વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની ગઈ છે. વાયરલ રોગચાળાના ભરડા વચ્ચે આ પ્રકારની અતિશય ભીડ દર્દીઓમાં એકબીજાનો ચેપ ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા દર્દીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા, વધારાના કાઉન્ટર તથા સુવ્યવસ્થિત ટોકન પદ્ધતિ જેવું આગોતરું આયોજન કરવામાં આવે તો જ દર્દીઓને હાલાકીમાંથી મુક્તિ મળી શકે તેમ છે.
