JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

આઠમા પગાર પંચના નિયમો: શું નિવૃત્ત કર્મચારીઓને મળશે એરિયર્સ અને પેન્શનનો લાભ?

આઠમા પગાર પંચના નિયમો: શું નિવૃત્ત કર્મચારીઓને મળશે એરિયર્સ અને પેન્શનનો લાભ?
કેન્દ્ર સરકારના આગામી આઠમા પગાર પંચને લઈને વર્તમાન અને નિવૃત્ત કર્મચારીઓમાં અનેક અસમંજસતા પ્રવર્તી રહી છે. પંચની ભલામણો અને એરિયર્સની પાત્રતાને લઈને વિવિધ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે કર્મચારી સંગઠનોએ વડાપ્રધાનને પત્ર લખીને ન્યાયની માંગ કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આઠમા પગાર પંચની જાહેરાત કરવામાં આવી છે જે આગામી 1 જાન્યુઆરી, 2026થી પ્રભાવી થવાનું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે પંચ પોતાનો આખરી રિપોર્ટ ક્યારે સરકાર સમક્ષ રજૂ કરશે. હાલ દેશભરમાં પગાર પંચના અધિકારીઓ દ્વારા અલગ-અલગ શહેરોમાં જઈને કર્મચારીઓ અને પેન્શનર્સના સંગઠનો સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જેમાં તેમની માંગણીઓ અને સમસ્યાઓ નોંધવામાં આવી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે પગાર પંચ લાગુ થાય તે પહેલાં જો કોઈ કર્મચારી સેવામાંથી નિવૃત્ત થઈ જાય, તો શું તેને એરિયર્સનો લાભ મળી શકશે કે નહીં?

નિવૃત્ત કર્મચારીઓને એરિયર્સ મળવા અંગે નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર આઠમા પગાર પંચની ભલામણોને 1 જાન્યુઆરી, 2026ની ભૂતકાળની તારીખથી (Retrospective Effect) લાગુ કરવાનો નિર્ણય કરે, તો તે સમયગાળા દરમિયાન નિવૃત્ત થયેલા કર્મચારીઓને જૂની અને સંશોધિત સેલરી વચ્ચેનો તફાવત એટલે કે એરિયર્સ મળી શકે છે. જો કે, આ સંપૂર્ણપણે સરકારના અંતિમ નીતિગત નિર્ણયો અને ચુકવણી માટે નક્કી કરવામાં આવેલી શરતો પર જ આધાર રાખે છે. માત્ર પ્રભાવી તારીખ નક્કી થવાથી તમામ કર્મચારીઓની પાત્રતા આપોઆપ સ્પષ્ટ થતી નથી, પરંતુ પગાર પંચના નિયમો જ આ અંગેની સાચી સ્થિતિ સ્પષ્ટ કરશે.

આ અનિશ્ચિતતા વચ્ચે રીટાયર્ડ એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશને (REWA) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પાઠવીને આઠમા પગાર પંચના દાયરામાં અગાઉ નિવૃત્ત થઈ ચૂકેલા કર્મચારીઓને પણ અચૂક સામેલ કરવા રજૂઆત કરી છે. એસોસિએશને પંચના ટર્મ્સ ઓફ રેફરન્સમાં ફેરફાર કરવાની માંગ કરી છે જેથી પેન્શનભોગીઓ અને ફેમિલી પેન્શન મેળવનારાઓને પણ તેનો પૂરેપૂરો લાભ મળી શકે. દરમિયાન, પંચનો 18 મહિનાનો નિર્ધારિત સમયગાળો પૂર્ણ થવામાં આરે હોવા છતાં હજુ સુધી સત્તાવાર રિપોર્ટ રજૂ થયો નથી, જેથી નિષ્ણાતો તેમાં વિલંબ થવાની પૂરી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.

LATEST ARTICLES