JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકાનું હિયાવાથા ટાઉન કેમ બન્યું ઘોસ્ટ ટાઉન: સિંગલ-ઇન્ડસ્ટ્રી કલ્ચરનો ભયાનક અંજામ

અમેરિકાનું હિયાવાથા ટાઉન કેમ બન્યું ઘોસ્ટ ટાઉન: સિંગલ-ઇન્ડસ્ટ્રી કલ્ચરનો ભયાનક અંજામ
યુએસના ઉતાહ રાજ્યમાં આવેલું હિયાવાથા શહેર કોલસાની ખાન બંધ થતાં આજે એક સુમસામ ખંડેર બની ગયું છે. એક જ કંપની પર નિર્ભર રહેતા આવા 'કંપની ટાઉન્સ' ભવિષ્યમાં શા માટે પાયમાલ થાય છે તે અંગે એક તાજેતરમાં ચોંકાવનારું સંશોધન સામે આવ્યું છે.

અમેરિકાના મધ્ય ઉતાહના કાર્બન કાઉન્ટીમાં આવેલું હિયાવાથા ક્યારેક ૧,૫૦૦ થી વધુ લોકોની વસ્તી ધરાવતું ધમધમતું શહેર હતું, જે આજે માત્ર ધૂળથી ભરાયેલાં જૂનાં મકાનો અને તાળાં મારેલા ચર્ચ પૂરતું સીમિત થઈ ગયું છે. વર્ષ ૧૯૦૯માં અહીં કોલસાની ખાણ શોધાતા રેલવે લાઈન નાખવામાં આવી અને યુનાઇટેડ સ્ટેટ્સ ફ્યુઅલ કંપનીના નિયંત્રણ હેઠળ આ 'કંપની ટાઉન' ઊભું થયું હતું. અહીં રહેતા મોટાભાગના લોકો ગ્રીક અપ્રવાસી હતા અને કંપનીએ જ તેમના માટે મકાનો, શાળાઓ અને મનોરંજન હોલ જેવી તમામ સુવિધાઓ વિકસાવી હતી. પરંતુ, ૧૯૪૦ના દાયકા પછી કોલસાનો વ્યાપ ઘટતા આ શહેરની ચમક ફીકી પડવા લાગી અને વર્ષ ૧૯૯૨માં તેને સત્તાવાર રીતે બિન-સંગઠિત જાહેર કરવું પડ્યું હતું.

બ્રિટિશ જર્નલ ઓફ પોલિટિક્સ સાયન્સમાં પ્રકાશીત એલિઝાબેથ મિચેલ એલ્ડરના ૨૦૨૫ના સંશોધન મુજબ, આવા એક જ ઉદ્યોગ પર આધારિત શહેરોની સ્થાનિક સરકારની ક્ષમતા શરૂઆતથી જ નબળી રાખવામાં આવે છે. કોલસા કંપનીઓ હંમેશાં એવું ઇચ્છતી હતી કે સ્થાનિક સરકાર નાની રહે જેથી ઓછો ટેક્સ ચૂકવવો પડે અને કંપની પર કોઈ સવાલો કે જવાબદારી ન આવે. શિક્ષણથી લઈને પોલીસ તંત્ર સુધીની તમામ સત્તા કંપનીના હાથમાં હોવાથી જ્યારે કંપનીએ ખાણ બંધ કરીને વિદાય લીધી, ત્યારે સ્થાનિક લોકો પાસે જીવનનિર્વાહ માટે કોઈ જ વિકલ્પ બચ્યો ન હતો. હિયાવાથાની આ દુર્દશા કોઈ એકમાત્ર કિસ્સો નથી, પરંતુ અમેરિકાભરમાં નવીનીકરણીય ઉર્જા અને ઓટોમેશનના કારણે કોલસા ઉદ્યોગમાં લાખો નોકરીઓ છીનવાઈ જવાની આ મોટી વૈશ્વિક કટોકટીનો નાનો ભાગ છે.

આજે ભલે હિયાવાથા જેવું શહેર ભૂતકાળની વાર્તા બની ગયું હોય, પરંતુ આ સંશોધન ચેતવણી આપે છે કે 'કંપની ટાઉન્સ' કે સિંગલ-એમ્પ્લોયર કલ્ચરનો ખતરો હજુ પણ પૂરો થયો નથી. આધુનિક સમયમાં પણ ટેક હબ કે ગીગ ઇકોનોમી આધારિત નવાં શહેરો જ્યારે ઊભાં થાય છે ત્યારે હિયાવાથાના આ ખંડેરો આપણને યાદ કરાવે છે કે જો સમગ્ર અર્થવ્યવસ્થાની દોરી માત્ર એક જ માલિકના હાથમાં સોંપવામાં આવે, તો ભવિષ્યમાં આખો સમુદાય કેવી રીતે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

LATEST ARTICLES