વરસાદી રાત્રે ઘરના દરવાજા પર ગરમ પાર્સલ લઈને ઊભો રહેતો ડિલિવરી બોય આપણા માટે માત્ર એક અર્જુન હોઈ શકે છે, પરંતુ ડિજિટલ એપની દુનિયામાં તે કોઈ કર્મચારી નહીં પરંતુ એક "પાર્ટનર" છે. નીતિ આયોગના અહેવાલ મુજબ, ભારતમાં વર્ષ ૨૦૨૦-૨૧માં આશરે ૭૭ લાખ લોકો ગિગ કામ સાથે જોડાયેલા હતા અને વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં આ આંકડો ૨.૩૫ કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. ઇન્ટરવ્યુ કે પ્રમાણપત્ર વગર સરળતાથી કામ મળી જતું હોવાથી ગામડાઓમાંથી શહેરોમાં આવતા યુવાનો માટે આ ક્ષેત્ર આકર્ષક સાબિત થઈ રહ્યું છે. જો કે, આ લવચીકતાની પાછળ એક મોટો આર્થિક અને સામાજિક પડકાર છુપાયેલો છે, જે આ શ્રમિકોના ભવિષ્યને અનિશ્ચિત બનાવે છે.
નિયમિત કર્મચારીઓની જેમ આ ગિગ કર્મીઓને નિશ્ચિત વેતન, પેન્શન, પ્રોવિડન્ટ ફંડ કે પેઇડ રજાઓનો લાભ મળતો નથી. બળતણ, વાહનની મરામત અને ફોનનો ખર્ચ તેમણે જાતે જ ઉઠાવવો પડે છે, અને બીમાર પડવાની કે અકસ્માત થવાની સ્થિતિમાં તેમની કમાણી સંપૂર્ણપણે અટકી જાય છે. પ્લેટફોર્મ કંપનીઓ દ્વારા ક્યારેય પણ ચૂકવણીના ધોરણો બદલી શકાતા હોવાથી આ શ્રમિકો પાસે સોદાબાજી કરવાની કોઈ તાકાત હોતી નથી. "પાર્ટનર" શબ્દ સમાનતાનો આભાસ કરાવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એપ દ્વારા નક્કી થતી પેમેન્ટ સિસ્ટમ અને ગ્રાહકો દ્વારા અપાતા રેટિંગ પર જ આ શ્રમિકોની આજીવિકા નિર્ભર રહે છે.
સરકારે વર્ષ ૨૦૨૦ની સામાજિક સુરક્ષા સંહિતા દ્વારા ગિગ શ્રમિકોને કાનૂની માન્યતા આપી છે અને ઇ-શ્રમ પોર્ટલ દ્વારા નોંધણી શરૂ કરી છે, પરંતુ હજુ પણ લાખો શ્રમિકો આ વ્યવસ્થાની બહાર છે. નોંધણીના અભાવે અથવા પ્લેટફોર્મ ગુમાવવનીીં બીકથી મોટાભાગના શ્રમિકો સરકારી યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે. વિશ્વભરમાં આજે એ ચર્ચા ચાલી રહી છે કે કર્મચારી અને સ્વતંત્ર ઠેકેદાર વચ્ચેની આ ગ્રે-લાઇનમાં શ્રમિકોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું. આખરે, આપણે જ્યારે આસાનીથી ડિજિટલ રેટિંગ આપી દઈએ છીએ, ત્યારે તે અદ્રશ્ય અર્જુનોના જીવનની અનિશ્ચિતતા તરફ ધ્યાન આપવું પણ એટલું જ અનિવાર્ય છે.
