વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. ગત ૨૨-૨૩ ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે બાપોદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોડિયાર નગર વિસ્તારના નિલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં રેડ પાડી હતી. સ્થાનિક પોલીસના નાક નીચે ધમધમતા આ મોટા પાયે દારૂના કટિંગ દરમિયાન SMCની ટીમે રૂ. ૮૪,૦૧,૨૫૮ ની કિંમતની વિદેશી દારૂની ૪૭૦ પેટીઓ સહિત ૩ કાર અને ૨ ટુ-વ્હિલર મળીને કુલ એક કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડ દરમિયાન નામચીન બૂટલેગર નિલુ અને તેના સાગરીતો પોલીસને જોઈને દીવાલો કૂદીને ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેના કારણે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા ખુલ્લી પડી ગઈ હતી.
આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે સમગ્ર દારૂ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી. સ્થાનિક પોલીસની જાણ બહાર કે તેમની મિલીભગત વગર આટલા મોટા પ્રમાણમાં દારૂનું કટીંગ થવું અશક્ય હોવાથી ઉચ્ચ સ્તરે તપાસ ચાલી રહી હતી. દરમિયાન, દિવાળીના પર્વ જેવા મહત્ત્વના દિવસોમાં જ બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.બી. લાકુમર અને પીએસઆઈ આર.એન. પ્રસાદને સસ્પેન્ડ કરવાનો આદેશ છૂટતા પોલીસ વિભાગમાં સોપો પડી ગયો છે. હાલમાં આ પોલીસ સ્ટેશનનો હંગામી હવાલો કુંભારવાડાના પીઆઈને સોંપવામાં આવ્યો છે, જેથી વહીવટી કામગીરી પ્રભાવિત ન થાય.
એક તરફ ઉચ્ચ અધિકારીઓ સામે ગાજ વીંઝાઈ છે અને સસ્પેન્શનના પગલાં લેવાયા છે, તો બીજી તરફ આ સમગ્ર રેકેટને પીઠબળ પૂરું પાડનાર અને એક વિવાદાસ્પદ વહીવટદાર સામે કોઈ કાર્યવાહી ન થવાને લઈને પોલીસ બેડામાં ભારે ગણગણાટ શરૂ થયો છે. બૂટલેગરો સાથે સાંઠગાંઠ ધરાવતા આ વહીવટદાર બચી જતા ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ કાર્યવાહી સામે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. આ કડક પગલાંથી પોલીસ બેડામાં કડક સંદેશો જરૂર ગયો છે, પરંતુ આવા અસામાજિક તત્વોને આશ્રય આપતા વહીવટદારો પર પણ સૂર્યપ્રકાશ જેવી સ્પષ્ટ તપાસ થાય તેવી લોક માંગ ઉઠી છે.
