JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

પંચમહાલમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વીર ક્રાંતિવીરો રાજા રૂપસિંહ નાયક અને જોરીયા પરમેશ્વરને ભાવભીના નમન

પંચમહાલમાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત વીર ક્રાંતિવીરો રાજા રૂપસિંહ નાયક અને જોરીયા પરમેશ્વરને ભાવભીના નમન
પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી નિમિત્તે યોજાયેલ જનજાતીય ગૌરવ સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની પ્રતિમાઓની સાફ-સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મ જયંતીના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન તાલુકાના દાંડિયાપુરા ગામે આદિવાસી સમાજના અગ્રણી ક્રાંતિકારી અને અંગ્રેજ શાસન સામે અડગ રહીને લડત આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાની રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાની વિશેષ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ તેમના જીવનચરિત્ર તથા દેશ માટેના અભૂતપૂર્વ બલિદાનને યાદ કરી તેમની શૌર્યગાથાથી સૌને માહિતગાર કર્યા હતા.

આ જ શૃંખલામાં જાંબુઘોડાના વડેક ખાતે પણ આદિવાસી સમાજના અન્ય એક મહાન ક્રાંતિકારી અને બ્રિટિશ સત્તા સામે લોખંડી લડત આપનાર સંત શિરોમણી જોરીયા પરમેશ્વરની પ્રતિમાની સ્વચ્છતા કરી તેમને શ્રદ્ધાપૂર્વક નમન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં આ મહાન ક્રાંતિવીરોના જીવનસંઘર્ષ, સંઘર્ષની ગાથાઓ અને આદિવાસી સમાજ તથા દેશના સ્વાતંત્ર્ય માટે આપેલા અમૂલ્ય યોગદાન પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. યુવા પેઢી આ વીરોનો ઇતિહાસ જાણીને પ્રેરણા મેળવે તેવો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો.

કાર્યક્રમ વિશે વિગતો આપતા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, દાંડિયાપુરા અને વડેકની આ ઐતિહાસિક ધરતી પરના સ્વાતંત્ર્ય સેનાનીઓનું યોગદાન સદૈવ અવિસ્મરણીય રહેશે. તેમણે યાદ અપાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં જાંબુઘોડા ખાતે યોજાયેલી વિશાળ જાહેરસભામાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારના સ્વાતંત્ર્ય સેનાનીઓના ભગીરથ કાર્યોને બિરદાવ્યા હતા. વધુમાં, વર્ષ ૨૦૨૨માં કકરોલિયા ખાતે યોજાયેલી જનસભા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જ વરદ્ હસ્તે સંત શિરોમણી જોરીયા પરમેશ્વર અને રાજા રૂપસિંહ નાયકની પ્રતિમાઓનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું.

LATEST ARTICLES