JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

'અજ્ઞાત હુમલાખોરો'ના ડરથી હાફિઝ સાઈદ અને મસૂદ અઝહરને પાકિસ્તાને ખસેડ્યા અજ્ઞાત આશ્રયસ્થાનોમાં

'અજ્ઞાત હુમલાખોરો'ના ડરથી હાફિઝ સાઈદ અને મસૂદ અઝહરને પાકિસ્તાને ખસેડ્યા અજ્ઞાત આશ્રયસ્થાનોમાં
ભારત વિરોધી મોટા આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સાઈદ અને મસૂદ અઝહરને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ભારે સુરક્ષા વચ્ચે ગુપ્ત આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. 'ઓપરેશન સિંદૂર' બાદ ભારતીય હુમલાઓ અને અજ્ઞાત હુમલાખોરોના વધતા ભયના કારણે પાકિસ્તાને આ સુરક્ષિત પગલું ભર્યું છે.

ભારતમાં અનેક ગંભીર આતંકી હુમલાઓને અંજામ આપનારા કુખ્યાત આતંકવાદીઓ હાફિઝ સાઈદ અને મસૂદ અઝહરના ઠેકાણાઓ બદલવામાં આવ્યા હોવાના ચોંકાવનારા અહેવાલો ગુપ્તચર સૂત્રો દ્વારા સામે આવ્યા છે. લશ્કર-એ-તૈયબાનો વડા હાફિઝ સાઈદ લાહોરના જોહર ટાઉનમાંથી ખસેડીને સીધા પાકિસ્તાની લશ્કરી મુખ્યાલયની નજીક આવેલા રાવલપિંડીના ગેરિસન ગ્રાઉન્ડ વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. જ્યારે જૈશ-એ-મોહમ્મદનો સરગપના મસૂદ અઝહરને સિંધ પ્રાંતના નવાબશાહમાં એક અત્યંત સુરક્ષિત સેફ હાઉસમાં રાખવામાં આવ્યો છે. આ બંને આતંકીઓને પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) ની સીધી દેખરેખ અને સુરક્ષા હેઠળ ખસેડવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે પાકિસ્તાન આ વૈશ્વિક આતંકીઓની સુરક્ષા માટે કેટલી હદે ચિંતિત છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોટા પાયે ફેરફારો પાછળ માત્ર અને માત્ર ભય કામ કરી રહ્યો છે. તાજેતરમાં ભારતના 'ઓપરેશન સિંદૂર' દરમિયાન આતંકવાદીઓનું મુખ્ય માળખું ધ્વસ્ત થઈ ગયું હતું, અને ત્યારબાદ પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓને રહસ્યમય સંજોગોમાં મોતને ઘાટ ઉતારનાર 'અજ્ઞાત હુમલાખોરો'નો ખૌફ સતત વધી રહ્યો છે. પાકિસ્તાન સરકાર ભલે દુનિયા સમક્ષ એવું દેખાડે કે હાફિઝ સાઈદ લાહોરની કોટ લખપત જેલમાં આતંકવાદને ફંડિંગ કરવાના કેસમાં સજા ભોગવી રહ્યો છે, પરંતુ ગુપ્તચર એજન્સીઓ આ દાવાને માત્ર એક દેખાડો અને ભ્રામક માને છે. વાસ્તવિકતા એ છે કે આ બંને આતંકવાદીઓ જેલમાં નહીં પરંતુ ISIના કડક સુરક્ષા કવચ હેઠળ અત્યંત આરામદાયક જીવન વિતાવી રહ્યા છે.

આ આતંકી સંગઠનોને ભારતની કાર્યવાહીથી ભારે ફટકો પડ્યો છે, ખાસ કરીને બહાવલપુર સ્થિત જૈશનું મુખ્ય મથક 'મરકઝ' તબાહ થઈ જવાથી સંગઠનને બેઠા થવું મુશ્કેલ બન્યું છે. પોતાના જીવન પર જોખમ તોળાતું જોઈને હાફિઝ સાઈદ અને મસૂદ અઝહર બંનેએ પોતાના સંગઠનના સભ્યો સાથે સીધો સંપર્ક કરવાનું ટાળી દીધું છે. સાઈદ હવે લશ્કરના સભ્યોને રૂબરૂ મળવાને બદલે માત્ર ઓડિયો સંદેશાઓ દ્વારા જ વાતચીત કરે છે, જ્યારે અઝહર પણ માત્ર કેટલાક ચૂંટેલા ટોચના કમાન્ડરો સિવાય અન્ય કોઈના સંપર્કમાં નથી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરાયેલા આ બંને વોન્ટેડ અપરાધીઓ 26/11ના મુંબઈ હુમલા તેમજ પુલવામા, પઠાણકોટ અને સંસદ પર થયેલા હુમલાના મુખ્ય સૂત્રધાર છે, જેઓ હાલ પાકિસ્તાનની આડમાં પોતાના અસ્તિત્વને બચાવવા મથામણ કરી રહ્યા છે.

LATEST ARTICLES