JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

ડેવિડ વોર્નરના ગંભીર આક્ષેપોથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભૂકંપ, સેન્ડપેપરગેટ કૌભાંડમાં કવર-અપનો દાવો

ડેવિડ વોર્નરના ગંભીર આક્ષેપોથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં ભૂકંપ, સેન્ડપેપરગેટ કૌભાંડમાં કવર-અપનો દાવો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર ડેવિડ વોર્નરે ૨૦૧૮ના કુખ્યાત સેન્ડપેપરગેટ કાંડની તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પર મુખ્ય સાક્ષીઓની ઉપેક્ષા કરીને માત્ર ત્રણ ખેલાડીઓને જ દોષી ઠેરવવાનું કાવતરું રચ્યાનો આક્ષેપ કર્યો છે.

વર્ષ ૨૦૧૮માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન બનેલી બોલ-ટેમ્પરિંગની ઘટના (સેન્ડપેપરગેટ કાંડ) એકવાર ફરી ક્રિકેટ જગતમાં ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. પૂર્વ બેટ્સમેન ઉસ્માન ખ્વાજાના તાજેતરમાં પ્રકાશિત થયેલા આત્મકથા પુસ્તકમાં ટીમના તમામ ખેલાડીઓ આ કાવતરાથી માહિતગાર હોવાનો દાવો કર્યા બાદ વિવાદ વધુ વકર્યો છે. આ ખુલાસા બાદ ડેવિડ વોર્નરે સોશિયલ મીડિયા પર આક્રમક વલણ અપનાવતા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) ની સમગ્ર તપાસ પ્રક્રિયાને 'ઉતાવળી અને દોષયુક્ત' ગણાવી હતી. વોર્નરના આ નિવેદને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ પ્રશાસનમાં હડકંપ મચાવી દીધો છે અને આ મામલે ફરીથી ન્યાયિક તપાસની માંગ ઉઠી રહી છે.

વધુમાં, વોર્નરે સવાલ ઉઠાવ્યો છે કે ૨૦૧૮ની તપાસ દરમિયાન શું સત્તાવાર રીતે ફાસ્ટ બોલર્સ મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને સ્પિનર નાથન લાયનની પૂછપરછ કરવામાં આવી હતી કે નહીં? પોતાના નિવેદનમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જો બોર્ડ દ્વારા આ બોલરોની પૂછપરછ કરવામાં જ નહોતી આવી, તો પછી ક્રિકેટ ઓસ્ટ્રેલિયા કયા આધારે એવો દાવો કરી રહ્યું છે કે બોલરોને આ બાબતની કોઈ જાણ નહોતી. વોર્નરે આક્ષેપ કર્યો છે કે બોર્ડે શરૂઆતથી જ નક્કી કરી લીધું હતું કે સજા કોને આપવી છે અને ત્યારપછી માત્ર પોતાના હેતુને પાર પાડવા માટે એક ઢાંકપિછારો કરતી તપાસ ચલાવવામાં આવી હતી, જે સ્પષ્ટપણે કવર-અપ જેવી ગંધાય છે.

બીજી બાજુ, આ વિવાદ વચ્ચે ઓસ્ટ્રેલિયાના તત્કાલીન કેપટાઉન ટેસ્ટ રમનારા બોલર્સ અને કેપ્ટન પેટ કમિન્સે અગાઉ આપેલા સંયુક્ત નિવેદનનું પુનરાવર્તન કરતા બોલ-ટેમ્પરિંગ પ્લાન અંગે અજાણ હોવાનું રટણ જાળવી રાખ્યું છે અને આક્ષેપોને નકારી કાઢ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી ટોડ ગ્રીનબર્ગે પણ આ કૌભાંડની તપાસ ફરીથી ખોલવાની શક્યતાને સ્પષ્ટપણે ફગાવી દીધી છે. આમ છતાં, ખેલાડીઓ દ્વારા જ અંદરોઅંદર બહાર આવતી વિગતો અને દિગ્ગજોના આક્ષેપો-પ્રતિઆક્ષેપોને કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની છબી પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે.

LATEST ARTICLES