JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

અંડર-૧૯ એશિયા કપ ફાઇનલ: પાકિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, ગુજરાતના મોહિત ઉલ્વા બન્યો જીતનો હીરો

અંડર-૧૯ એશિયા કપ ફાઇનલ: પાકિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઇતિહાસ, ગુજરાતના મોહિત ઉલ્વા બન્યો જીતનો હીરો
ઓમાનમાં રમાયેલા અંડર-૧૯ એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીતી લીધું છે. દસમા નંબરે બેટિંગ કરવા આવેલા મોહિત ઉલ્વાએ અદભુત પ્રદર્શન કરીને ભારતને છેલ્લા બોલે ઐતિહાસિક જીત અપાવી હતી.

ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં રોમાંચ અને ઉત્સાહથી ભરેલી હોય છે, પરંતુ અંડર-૧૯ એશિયા કપ ૨૦૨૬ની ફાઇનલ મેચે રોમાંચની તમામ હદો વટાવી દીધી હતી. ઓમાનના મેદાન પર રમાયેલા આ મહા મુકાબલામાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયા સામે જીત માટે ૩૩૮ રનનો મોટો ટર્જેટ રાખ્યો હતો. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી પરંતુ ત્યારબાદ સતત વિકેટો પડવાને કારણે સ્કોર ૪૧.૩ ઓવરમાં ૮ વિકેટે ૨૫૨ રન થઈ ગયો હતો, જેના કારણે એક સમયે ટીમની હાર નિશ્ચિત લાગી રહી હતી. પરંતુ મુશ્કેલ પરિસ્થિતિમાં સાતમાં ક્રમે આવેલા મનલ ચૌહાણ અને ખાસ કરીને દસમા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા મોહિત ઉલ્વાએ મેચનો પانسો પલટી નાખ્યો અને પાકિસ્તાનના મોઢેથી જીત છીનવી લીધી.

આ મેચમાં ફાસ્ટ બોલર તરીકે રમેલા મોહિત ઉલ્વાએ બોલિંગમાં ૮ ઓવરમાં ૫૭ રન આપીને કોઈ વિકેટ નહોતી મેળવી, પરંતુ જ્યારે ટીમ પર હારનું સંકટ તોળાઈ રહ્યું હતું ત્યારે તેણે બેટથી કમાલ કરી બતાવ્યો હતો. મોહિતે માત્ર ૨૮ બોલમાં શાનદાર ૪૯ રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી અને છેલ્લા બોલ પર જીત માટે ૩ રનની જરૂર હતી ત્યારે શાનદાર ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. આ અદભુત ઓલરાઉન્ડ પ્રદર્શન પાછળ તેની કઠોર મહેનત અને ગુજરાતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તૈયાર કરનાર પ્રખ્યાત એકેડેમીનું માર્ગદર્શન રહેલું છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનના પુત્ર એવા ૧૮ વર્ષીય મોહિતે જામનગરની પ્રખ્યાત ક્રિકેટ બંગલા એકેડેમીમાં કોચ મહેન્દ્ર સિંહ ચૌહાણ પાસે તાલીમ લીધી છે, જેમણે વર્ષો પહેલા રવિન્દ્ર જાડેજાને પણ ક્રિકેટની બારીકાઈઓ શીખવી હતી. કોચ ચૌહાણના માર્ગદર્શન હેઠળ ઓફ-સ્પિનરથી ફાસ્ટ બોલર બનેલા મોહિતે ફિટનેસ પર વિશેષ ધ્યાન આપીને પોતાની રમતને નિખારી છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી પેટ કમિન્સને આદર્શ માનનાર મોહિતે અગાઉ ઓસ્ટ્રેલિયા સામેની યુથ ODI શ્રેણીમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું, અને હવે એશિયા કપની આ ઐતિહાસિક ફાઇનલમાં નિર્ણાયક ઇનિંગ રમીને તેણે સાબિત કરી દીધું છે કે તે ભવિષ્યનો એક ઉત્તમ ઓલરાઉન્ડર ખેલાડી છે.

LATEST ARTICLES