JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમદાવાદથી વિયેતનામના પ્રખ્યાત ટાપુ ફૂ ક્વોક માટે આગામી ૨ ડિસેમ્બરથી નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ થશે

અમદાવાદથી વિયેતનામના પ્રખ્યાત ટાપુ ફૂ ક્વોક માટે આગામી ૨ ડિસેમ્બરથી નોન-સ્ટોપ ફ્લાઇટ સેવા શરૂ થશે
વિયેતનામની સન ફૂ ક્વોક એરવેઝ દ્વારા અમદાવાદથી પર્લ આઇલેન્ડ ગણાતા ફૂ ક્વોક માટે ભારતમાં સૌપ્રથમવાર સીધી વિમાન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઇટ શરૂ થવાથી ગુજરાતના પ્રવાસીઓને કનેક્ટિંગ ફ્લાઇટ અને સ્ટોપઓવરની ઝંઝટમાંથી કાયમ માટે મુક્તિ મળશે.

આગામી ૨ ડિસેમ્બર, ૨૦૨૬થી શરૂ થનારી આ ફ્લાઇટ સેવા માટે એરલાઇન દ્વારા અત્યાધુનિક એરબસ A321neo વિમાન ફાળવવામાં આવ્યું છે, જે 'ફુલ-સર્વિસ' સુવિધાઓથી સજ્જ હશે. આ નોન-સ્ટોપ ફ્લાઇટનું પ્રારંભિક ટુ-વે (આવવા-જવાનું) ભાડું માત્ર ૩૦,૦૦૦ રૂપિયાથી શરૂ થશે, જેમાં મુસાફરોને સ્વાદિષ્ટ ભોજનની સાથે ૨૩ કિલોગ્રામ ચેક-ઇન બેગેજ અને ૭ કિલોગ્રામ કેબિન બેગેજની નિઃશુલ્ક સગવડ મળશે. શરૂઆતના તબક્કામાં આ ફ્લાઇટ અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને રવિવારના રોજ ઓપરેટ થશે, જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૭થી આ સેવાને અઠવાડિયાના સાતેય દિવસ માટે ધમધમતી કરવામાં આવશે જેથી પ્રવાસીઓ ગમે ત્યારે સરળતાથી પ્રવાસનું આયોજન કરી શકે.

મુસાફરોને આર્થિક લાભ મળી રહે તે હેતુથી એરલાઇને આકર્ષક ઓફર પણ જાહેર કરી છે, જેમાં ૧૬ ઑક્ટોબરથી ૧૩ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓને ૩૧ માર્ચ, ૨૦૨૭ સુધીની મુસાફરી પર બેઝ ફેર પર વિશેષ ૨૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે. એટલું જ નહીં, ભારતીય મુસાફરોની રૂચિ, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને વિમાનમાં વિશેષ ભારતીય મેનુ અને મનપસંદ પીણાંની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ નવતર પહેલથી માત્ર અમદાવાદ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના પર્યટકોને વિયેતનામની સંસ્કૃતિ અને સુંદરતા નજીકથી માણવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.

વર્ષ ૨૦૨૫માં કોઈ પણ સીધી ફ્લાઇટ ન હોવા છતાં ફૂ ક્વોક ખાતે દોઢ લાખ જેટલા ભારતીય પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૩૨૮ ટકાનો મોટો ઉછાળો સૂચવે છે. આ સીધી વિમાન સેવા શરૂ થવાથી માત્ર ફૂ ક્વોક જ નહીં પરંતુ હનોઈ, હો ચી મિન્હ સિટી, દા નાંગ અને હાઈ ફોંગ જેવા વિયેતનામના અન્ય પ્રમુખ શહેરોની કનેક્ટિવિટી પણ અત્યંત સરળ બની જશે. એરલાઇન આગામી સમયમાં ૨૦૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દિલ્હી અને મુંબઈથી પણ આ પ્રકારની સીધી ફ્લાઇટ્સ શરૂ કરવાની ઘનિષ્ઠ યોજના ધરાવે છે, જેનાથી ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય પ્રવાસન અને વ્યાપારી સંબંધોને વધુ મજબૂત વેગ મળશે.

LATEST ARTICLES