જામનગરના ખંભાળિયા નાકા બહારના વિસ્તારમાં રહેતા અને એક રાષ્ટ્રીયકૃત બેંકમાંથી વર્ષો પહેલાં નિવૃત્ત થયેલા જયેશભાઈ ઓઝા ગત ૧૦ ઓક્ટોબરના રોજ સાયબર ઠગોની ચાલનો ભોગ બન્યા હતા. અજાણ્યા નંબરથી આવેલા ફોન પર વાત કરનાર શખ્સે પોતાની ઓળખ ડેટા પ્રોટેક્શન બોર્ડ ઓફ ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર રાહુલ કુલકર્ણી તરીકે આપી હતી. ઠગે જયેશભાઈના આધારકાર્ડનો દુરુપયોગ કરી કોઈ શખ્સે નવું સિમકાર્ડ મેળવ્યું હોવાનું અને તેનો ઉપયોગ મુંબઈના કોલાબા પોલીસ મથકમાં નોંધાયેલા ૨૦ ગંભીર ગુનાઓ માટે વાંધાજનક સામગ્રી મોકલવામાં થયો હોવાનું જણાવ્યું હતું. આ પ્રારંભિક ડરામણી ચાલ પછી ગુનેગારોએ પોતાનું નેટવર્ક વિસ્તારી સીબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને સુપ્રીમ કોર્ટના અધિકારીઓની ખોટી ઓળખ આપી હતી.
આ ઠગોએ નિવૃત્ત કર્મચારીને ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ જેવા દેશ વિરોધી અને ગંભીર ગુનાઓમાં સીધા સંડોવાયેલા હોવાની ધમકી આપી હતી. તેમને આ વાતની જાણ પરિવાર કે અન્ય કોઈને પણ ન કરવા તાકીદ કરી અલગ રૂમમાં બંધ થઈ જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, ઠગોએ વિશ્વાસ બેસાડવા માટે સીબીઆઈ, આરબીઆઈ અને સુપ્રીમ કોર્ટના નકલી દસ્તાવેજો તથા નોટિસો પણ વ્હોટ્સએપ પર મોકલી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના ભંગ અને ધરપકડના ડરથી ગભરાઈ ગયેલા જયેશભાઈએ પૂછપરછ અને તપાસ પૂર્ણ થયા બાદ નાણાં પરત મળવાની ખોટી ખાતરી પર ભરોસો મૂકી દીધો હતો. પરિણામે, ૧૨ ઓક્ટોબરથી શરૂ કરીને આગામી પંદર દિવસ દરમિયાન જુદા જુદા બેંક ખાતાઓમાં અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. ૪૨ લાખ ૨૫ હજાર જમા કરાવી દીધા હતા.
સતત પંદર દિવસ સુધી ચાલેલા આ માનસિક દબાણ અને વધુ નાણાંની સતત માગણીના કારણે જયેશભાઈને શંકા ગઈ હતી કે ક્યાંક મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આશંકા જતા તેમણે તુરંત જ પોતાના પરિવારજનોને સમગ્ર ઘટનાની વિગતવાર જાણ કરી હતી, અને ત્યારબાદ તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પીઆઈ એન.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ સક્રિય બનેલી સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે બેંકોના સહયોગથી ત્વરિત પગલાં લઈને આરોપીઓના ખાતામાં જઈ રહેલા રૂ. ૨૧ લાખ સફળતાપૂર્વક ફ્રીઝ કરાવી લીધા હતા. હાલ બાકીના નાણાં પડાવનાર આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સાયબર ઠગ ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે કાયદેસરની સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
