JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સ્પોર્ટ્સ

રાજકોટના યુવા ઓલરાઉન્ડર આર્યન સવસાણીએ અંડર-19 એશિયા કપમાં ચમકાવી દીધું ભારતનું નામ

રાજકોટના યુવા ઓલરાઉન્ડર આર્યન સવસાણીએ અંડર-19 એશિયા કપમાં ચમકાવી દીધું ભારતનું નામ
ઓમાનમાં રમાયેલા અંડર-19 એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવી ઐતિહાસિક ટાઇટલ જીતી લીધું છે, જેમાં રાજકોટના ઓલરાઉન્ડર આર્યન સવસાણીના શાનદાર પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલ મેચ અત્યંત રોમાંચક રહી હતી. આ હાઇ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને ભારતીય ટીમ સામે જીત માટે 338 રનનો વિશાળ અને પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે, ભારતીય યુવા ખેલાડીઓએ અડગ મનોબળ દાખવીને આ લક્ષ્ય અંતિમ ઓવરમાં પાર પાડ્યું હતું અને પાકિસ્તાનને એક વિકેટે હરાવીને નવમી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ રોમાંચક વિજયમાં ગુજરાતના ખેલાડીઓનું પ્રદર્શન અત્યંત પ્રશંસનીય રહ્યું હતું, જેમાં અન્ય ખેલાડીઓની સાથે સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ અણનમ 49 રન ફટકારીને છેલ્લી ઓવરમાં વિજયી ચોગ્ગો ફટકારીને બાજી પલટી નાખી હતી.

આ સમગ્ર ઐતિહાસિક સફરમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર અને મૂળ મોરબીના ટંકારા તાલુકાના કલ્યાણપુર ગામના વતની એવા આર્યન સવસાણીએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ખાસ કરીને અફઘાનિસ્તાન સામેની અતિ મહત્ત્વપૂર્ણ સેમિફાઇનલ મેચમાં આર્યને ઘાતક બોલિંગનું પ્રદર્શન કરતા માત્ર 7 ઓવરમાં 29 રન આપીને 2 મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી અને ટીમની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા અને ક્રિકેટના પાયાના પાઠ રાજકોટના પ્રખ્યાત બાલ ભવન ખાતે શીખનાર આર્યને ડોમેસ્ટિક ક્રિકેટમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ તરફથી રમીને પોતાની પ્રતિભા સાબિત કરી હતી અને આજે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું છે.

આર્યનની આ અદ્ભુત સફળતા બાદ રાજકોટ સ્થિત તેના નિવાસસ્થાને પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આર્યનના પિતા, જેઓ મોરબીના ખાનપર ગામની હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે, તેમણે પુત્રની આ સિદ્ધિ પર ગર્વ અનુભવતા જૂની સંઘર્ષ ભરેલી યાદો તાજી કરી હતી. તેમણે ભાવુક થઈને જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે લોકો સલાહ આપતા કે ક્રિકેટ પાછળ સમય ન બગાડો અને તેમાં ના મોકલાય, પરંતુ આર્યનની સખત મહેનત અને અડગત્મ મનોબળે આજે તમામ આશંકાઓને ખોટી સાબિત કરી દીધી છે. એક સાધારણ પરિવારમાંથી આવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ચેમ્પિયન બનાવવામાં સહભાગી બનનાર આર્યનની આ સફર સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે પ્રેરણારૂપ બની ગઈ છે.

LATEST ARTICLES