JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

સીઓપી૩૧ પરિષદમાં વીજળીકરણ વૈશ્વિક કેન્દ્રસ્થાને, ભારતની પ્લેજથી દૂર રહેવાની રણનીતિ

સીઓપી૩૧ પરિષદમાં વીજળીકરણ વૈશ્વિક કેન્દ્રસ્થાને, ભારતની પ્લેજથી દૂર રહેવાની રણનીતિ
તુર્કીમાં ચાલી રહેલી સીઓપી૩૧ પરિષદમાં ગ્લોબલ ઇલેક્ટ્રિફિકેશન મુખ્ય મુદ્દો બન્યો છે, જ્યાં ૧૪ દેશોએ કરાર પર હસ્તાક્ષર કર્યા છે પરંતુ ભારતે હાલ આ વૈશ્વિક પ્લેજથી અંતર જાળવ્યું છે.

તુર્કીના અંતાલ્યા શહેરમાં ચાલી રહેલી મહત્ત્વપૂર્ણ સીઓપી૩૧ (COP31) જળવાયુ પરિષદમાં ગ્લોબલ ઇલેક્ટ્રિફિકેશન અર્થાત્ વીજળીકરણ વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. યજમાન તુર્કી સહિત ઓસ્ટ્રેલિયા, ઇથોપિયા, જર્મની, બ્રિટન અને દક્ષિણ કોરિયા સહિતના ૧૪ દેશોએ ૨૦૩૫ સુધીમાં ૩૫ ટકા વીજળીકરણના સ્વૈચ્છિક લક્ષ્યાંકને સ્વીકારીને આ પ્લેજ પર હસ્તાક્ષર કર્યા છે. વૈશ્વિક સ્તરે સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણના હિતમાં અશ્મિભૂત બળતણનો વપરાશ ઘટાડીને વીજળીના વપરાશને વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે યુરોપિયન યુનિયન પણ આ કરારમાં જોડાવા અંગે ગંભીરતાથી વિચારણા કરી રહ્યું છે.

જોકે, લગભગ ૧૦૦ ટકા ઘરોમાં ગ્રીડ કનેક્ટિવિટી ધરાવતું ભારત આ વૈશ્વિક કરારથી અલગ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી (IEA) ના અહેવાલ મુજબ, ભારતમાં અંતિમ ઊર્જા વપરાશમાં વીજળીનો હિસ્સો હાલમાં આશરે ૧૯ થી ૨૩ ટકા જેટલો છે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૩૨ ટકા સુધી પહોંચવાની સંભાવના છે. નિષ્ણાતોના મતે ભારત કોઈ પણ ઔપચારિક વાટાઘાટો બહારના કરારમાં જોડાવા અથવા નવા બિનજરૂરી લક્ષ્યાંકોના બોજ હેઠળ આવવા માંગતું નથી. ભારતના ડ્રાફ્ટ ઇલેક્ટ્રિફિકેશન પોલિસી મુજબ વર્ષ ૨૦૪૭ સુધીમાં કુલ ઊર્જા વપરાશમાં વીજળીનો હિસ્સો બમણો થઈ જશે, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિજ્ઞા લેવામાં દેશની અનિચ્છા યથાવત્ છે.

ભારતનું આ પગલું વીજળીકરણના વિરોધમાં નથી, પરંતુ તેની પાછળ કેટલીક વ્યવહારિક મર્યાદાઓ અને પડકારો રહેલા છે. રિન્યુએબલ એનજી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિ કરવા છતાં ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત, ભારે ઉદ્યોગોમાં ટેકનિકલ મર્યાદાઓ અને ઊંચા પ્રારંભિક ખર્ચ જેવા કારણોસર દેશના અંતિમ વપરાશમાં વીજળીનો હિસ્સો વૈશ્વિક સરેરાશ ૨૩ ટકા કરતા હજુ થોડો પાછળ છે. આ તમામ પડકારો વચ્ચે પણ વાર્ષિક ૫ થી ૬ ટકાના દરે વધી રહી વીજળીની માંગ અને આંતરિક નીતિગત લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં ભારત આ દિશામાં વધુ મજબૂત પગલાં ભરે તેવી પૂરી સંભાવના છે.

LATEST ARTICLES