JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ મનપાના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ માટે આકરા નિયમો: પાન-ફાકીની પિચકારી મારવા પર થશે ૧૦ હજારનો દંડ

રાજકોટ મનપાના કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ માટે આકરા નિયમો: પાન-ફાકીની પિચકારી મારવા પર થશે ૧૦ હજારનો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટના ઉપયોગ માટે કડક નીતિવિષયક દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. આગામી ૨૦ નવેમ્બરે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં ફાયર સેફ્ટી, સ્વચ્છતા અને નોન-વેજ પ્રતિબંધ સહિતના નવા નિયમો પર અંતિમ નિર્ણય લેવાશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા તમામ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ અને નવનિર્મિત પાર્ટી પ્લોટના સંચાલન અને ઉપયોગ માટે પહેલી વખત અત્યંત વિસ્તૃત તથા કડક નિયમો ઘડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવેલી આ નીતિવિષયક દરખાસ્તને મંજૂરી આપવા માટે આગામી ૨૦ નવેમ્બરે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય જાહેર મિલકતોની જાળવણી, નાગરિકોની સુરક્ષા અને સ્વચ્છતા જાળવવાનો છે, જેને બોર્ડની મંજૂરી મળ્યા બાદ તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે.

નવી નીતિ અનુસાર, કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં આયોજિત થતા પ્રસંગો દરમિયાન ભોજનના તમામ લાઇવ કાઉન્ટર પાસે ફાયર સેફ્ટીના સાધનો રાખવા અને તેને ઓપરેટ કરી શકે તેવી વ્યક્તિની હાજરી અનિવાર્ય કરવામાં આવી છે. આ ઉપરાંત, હોલની અંદર ધુમાડો ન ફેલાય અને મિલકતને નુકસાન ન થાય તે રીતે કાઉન્ટર ગોઠવવાના રહેશે. સૌથી મોટો અને કડક નિર્ણય પાન, ફાકી કે ગુટખાના સેવન બાબતે લેવાયો છે, જેમાં જાહેરમાં પિચકારી મારનાર વ્યક્તિ દીઠ સીધો રૂ. ૧૦,૦00 નો આકરો દંડ વસૂલવામાં આવશે. સાથે જ, મ્યુનિસિપલ હોલ અને પાર્ટી પ્લોટ પરિસરમાં ઈંડા અને નોન-વેજ વાનગીઓ રાંધવા કે પીરસવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ દરખાસ્તમાં બુકિંગ રદ કરવાની નીતિ, સમય મર્યાદા અને ભાડાના દર અંગે પણ સ્પષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. લગ્ન પ્રસંગો માટે ૧૮૦ દિવસ અગાઉ અને અન્ય સામાન્ય કાર્યક્રમો માટે ૬૦ દિવસ અગાઉ બુકિંગ કરાવી શકાશે. આ ઉપરાંત, પાર્ટી પ્લોટને ગરબા અને ડાન્સ ક્લાસ માટે પણ ભાડે આપી શકાશે, જેમાં નવરાત્રી દરમિયાન બમણા દરે અને અન્ય સામાન્ય દિવસોમાં નિયત ભાડાના ૫૦ ટકા દરે શુલ્ક વસૂલવામાં આવશે. જો કોઈ આયોજક નિયમોનું ઉલ્લંઘન કરશે તો મનપા દ્વારા તાત્કાલિક સ્થળ ખાલી કરાવીને ડિપોઝિટ જપ્ત કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે.

LATEST ARTICLES