મણિપુરના ઇમ્ફાલ-ઉખરુલ રોડ પર આવેલા ન્યૂ હેવન વિસ્તારમાં શુક્રવારે અજાણ્યા શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક ગોળીબારમાં ચાર લોકોના મોત સાથે રાજ્યમાં જાતીય હિંસાની ફરીથી વરવી શરૂઆત થઈ છે. આ તમામ પીડિતો બે અલગ-અલગ વાહનોમાં સવાર થઈને ઇમ્ફાલ તરફ પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓએ તેમને નિશાન બનાવ્યા હતા. મૃતકોમાં શાંગશાક ગામના રહેવાસી કાપાંગખુઈ આરએસ અને હાઉલેઇલા આરએસ નામના સગા ભાઈ-બહેન તેમજ તાશાર ગામના ઓગસ્ટ નગાલુંગ અને ખાનમિલા નામની માતા અને પુત્રનો સમાવેશ થાય છે. આ હુમલામાં બે પીડિતો મારુતિ સ્વિફ્ટ કારમાં અને બાકીના બે બોલેરો વાહનમાં સવાર હતા, જે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
આ ભયાનક હુમલા બાદ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે અને કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (સીએલપી) ના નેતા કે. મેઘચંદ્રાએ રાજ્ય અને કેન્દ્ર સરકારો પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પ્રહાર કરતા જણાવ્યું હતું કે માત્ર સરકારી સંવેદનાઓ નિર્દોષ લોકોના અમૂલ્ય જીવ પાછા લાવી શકતી નથી અને આ સતત ચાલુ રહેતી હિંસા માટે સરકારની સીધી જવાબદારી નક્કી થવી જોઈએ. મેઘચંદ્રાએ મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી અશાંતિ વચ્ચે કેન્દ્ર સરકારની લાંબી ચૂપકીદી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તાપૌ કુકી ગામ અને સેનાપતિની હાલની ઘટનાઓનો ઉલ્લેખ કરીને તેમણે નાગા સહિતના વિવિધ સમુદાયોની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
નાગરિકો હવે સતત ભયના સાાયામાં જીવી શકે નહીં તેમ સ્પષ્ટ જણાવીને કોંગ્રેસ નેતાએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તથા પ્રજાને સુરક્ષા પ્રદાન કરવામાં નિષ્ફળ રહેલી સરકારના રાજીનામાની માંગ કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેમચંદની આગેવાની હેઠળની વર્તમાન સરકાર જનતાને સુરક્ષા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. જો સરકાર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં અને લોકોના પ્રાણ બચાવવામાં અસમર્થ હોય તો તેણે સત્તા પરથી હટી જવું જોઈએ, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે જો કોંગ્રેસ પક્ષ સત્તામાં આવશે તો મણિપુરમાં ચોક્કસપણે કાયમી શાંતિ સ્થાપિત કરશે.
