કુખ્યાત મહાદેવ ઓનલાઈન બુક ગેરકાયદેસર બેટિંગ સિન્ડિકેટના મુખ્ય પ્રમોટર અને સહ-માલિક સૌરભ ચંદ્રાકરની ધરપકડને એજન્સીની મોટી સફળતા માનવામાં આવી રહી છે. ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર ગણાતો સૌરભ ચંદ્રાકર લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગી રહ્યો હતો. સપ્ટેમ્બર 2023માં સમન્સ જારી થયા બાદ પણ તે હાજર ન રહેતા તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી થયું હતું અને ઇન્ટરપોલ દ્વારા રેડ નોટિસ પણ કઢાવવામાં આવી હતી. ભારતીય એજન્સીઓની સઘન દરખાસ્તના આધારે ઓમાનની મસ્કત અપીલ કોર્ટે તેના પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો અને મસ્કત એરપોર્ટ પરથી નકલી દસ્તાવેજો સાથે ઝડપાયા બાદ સીબીઆઈ તેને ભારત પરત લાવવામાં સફળ રહી હતી.
તપાસ એજન્સીના ખુલાસા અનુસાર, આ ગેરકાયદેસર નેટવર્ક દુબઈથી સંચાલિત થતું હતું અને દર મહિને અંદાજે 450 કરોડ રૂપિયાની અધધ કમાણી કરતું હતું. સૌરભ ચંદ્રાકર અને તેના સાથી રવિ ઉપ્પલ દ્વારા ભારત અને UAEમાં ફ્રેન્ચાઈઝીનું નેટવર્ક ફેલાવવામાં આવ્યું હતું. બેટિંગના આ કાળા નાણાંનો મોટાપાયે દૂરઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ફેબ્રુઆરી 2023માં રાસ અલ ખૈમાહ ખાતે યોજાયેલા તેના ભવ્ય લગ્ન પાછળ અંદાજે 200 કરોડ રૂપિયા રોકડા ફૂંકી દેવામાં આવ્યા હતા, જેમાં નાગપુરથી ખાસ ચાર્ટર્ડ વિમાનો મારફતે મહેમાનોને દુબઈ લઈ જવાયા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર કમાણીના આ નાણાંથી અમેરિકન કંપની 'એબિક્સ ઇન્ક.'ના અધિગ્રહણ માટે આંગડિયા પેઢીઓ અને હવાલા માધ્યમથી આશરે 766 કરોડ રૂપિયા સહિત કુલ 940 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
ED દ્વારા અત્યાર સુધીમાં આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 190 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે અને કુલ 3,500 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ એટેચ કરવામાં આવી છે, જેમાં વિદેશી મિલકતો અને દુબઈની સ્થાવર પ્રાઈમ પ્રોપર્ટીઝ પણ સામેલ છે. અગાઉ જુલાઈ 2026માં વિકાસ ગર્ગની ધરપકડ બાદ હવે સૌરભ ચંદ્રાકર આ કેસમાં પકડાયેલો 15મો આરોપી બન્યો છે. રાયપુરની વિશેષ કોર્ટે તેને 19 નવેમ્બર સુધીની ED કસ્ટડીમાં સોંપ્યો છે, જ્યાં એજન્સી હવે ડિજિટલ ડેટા, વિદેશી કંપનીઓના દસ્તાવેજો અને અન્ય આરોપીઓના નિવેદનોને આધારે મની લોન્ડરિંગના વધુ રહસ્યો બહાર લાવવા સઘન પૂછપરછ હાથ ધરી રહી છે.
