JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર ધમધમ્યું, એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની આંતરિક બદલી

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર ધમધમ્યું, એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની આંતરિક બદલી
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નવા વર્ષના પ્રારંભે મોટો વહીવટી ફેરફાર કરતા ત્રણ વર્ષથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા ૧૧૫ નાયબ મામલતદારોના બદલીના હુકમ કર્યા છે.

નવા વર્ષના આરંભની સાથે જ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે. જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા મહેસૂલ વિભાગમાં લાંબા સમયથી એક જ જગ્યાએ જામેલા અને ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો કરી ચૂકેલા નાયબ મામલતદાર સંવર્ગના ૧૧૫ જેટલા કર્મચારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. દિવાળીની રજાઓ પૂર્ણ થતાની સાથે જ લેવાયેલા આ આકસ્મિક અને કડક પગલાંને કારણે સમગ્ર મહેસૂલી આલમમાં ભારે ચર્ચા અને દોડધામ મચી જવા પામી છે. કલેક્ટરના આ નિર્ણયથી વહીવટી કામગીરીમાં નવો પ્રાણ ફૂંકાશે અને પારદર્શિતા વધશે તેવી આશા સેવવામાં આવી રહી છે.

આ વહીવટી ફેરફાર માત્ર તાલુકા કક્ષા પૂરતો મર્યાદિત નથી, પરંતુ જિલ્લા કલેક્ટર કચેરીની મહત્વની શાખાઓ જેવી કે ચૂંટણી શાખા, પુરવઠા વિભાગ, ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને જમીન સંપાદન શાખાને પણ આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ શહેરની પૂર્વ અને દક્ષિણ મામલતદાર કચેરીઓ તેમજ ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણ, વિંછીયા, પડધરી અને લોધિકા સહિતના ગ્રામ્ય વિસ્તારોની કચેરીઓમાં પણ વ્યાપક સ્તરે કર્મચારીઓની અદલાબદલી કરવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને જિલ્લા કક્ષાએથી તાલુકામાં તો કેટલાકને તાલુકામાંથી જિલ્લા કક્ષાની વિવિધ શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે.

આ બદલીઓમાં ખાસ કરીને બિનખેતી શાખા અને પુરવઠા વિભાગ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરીની બિનખેતી શાખામાં ફરજ બજાવતા મકેશ રાઠોડને પુરવઠા વિભાગના ઝોનલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે તેમના સ્થાને પુરવઠા નિરીક્ષક અરવિંદ એલ. કુગશીયાને જવાબદારી સોંપવામાં આવી છે. આ ફેરફારોને પગલે આગામી દિવસોમાં સરકારી કચેરીઓની કામગીરીની નવી ગોઠવણ જોવા મળશે અને નાગરિકોના અટવાયેલા પ્રશ્નોનો નિકાલ વધુ ઝડપથી આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

LATEST ARTICLES