JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુએઈમાં બેકાબૂ ટ્રકે સર્જ્યો ભયાનક અકસ્માત, ભારતીયો સહિત ૧૪ ના મોત અને ૩૦ ઘાયલ

યુએઈમાં બેકાબૂ ટ્રકે સર્જ્યો ભયાનક અકસ્માત, ભારતીયો સહિત ૧૪ ના મોત અને ૩૦ ઘાયલ
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)ના કુજેરાહ અમીરાત પાસે એક બેકાબૂ ટ્રકે અનેક વાહનોને હડફેટે લેતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કરૂણ દુર્ઘટનામાં કેટલાક ભારતીયો સહિત કુલ ૧૪ લોકોના મોત થયા છે જ્યારે અંદાજે ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની વિગતો અનુસાર, યુએઈના કુજેરાહ અમીરાતના પ્રવેશદ્વાર પાસે મધ્યરાત્રિના સુમારે એક ટ્રકચાલકે પોતાના વાહન પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલો આ ટ્રક પૂરઝડપે રસ્તા પર ઊભેલા અને ટ્રાફિકના કારણે રોકાયેલા અન્ય અનેક વાહનો સાથે ધડાકાભેર અથડાયો હતો. આ ભયાનક ટક્કરને કારણે ટ્રક પલટી ગયો હતો અને જોતજોતામાં તેમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગની આ જ્વાળાઓ આસપાસના અન્ય વાહનોમાં પણ ફેલાઈ જતાં રસ્તા પર બિહામણા દૃશ્યો સર્જાયા હતા અને મોટા પાયે જાનમાલનું નુકસાન થયું હતું.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણની કટોકટી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને રાહત તથા બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. આ ભીષણ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૧૪ લોકોમાં કેટલાક ભારતીય નાગરિકો પણ સામેલ હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, ઈજાગ્રસ્ત થયેલા અંદાજે ૩૦ જેટલા લોકોમાં યુએઈ ઉપરાંત ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્ત જેવા દેશોના નાગરિકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ અડધા જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે બાકીના હજુ પણ સારવાર હેઠળ છે.

આ ગંભીર દુર્ઘટના બાદ દુબઈસ્થિત ભારતીય કોન્સ્યુલેટ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને રાહત કાર્યોમાં મદદરૂપ બની રહ્યું છે. મૃતકોની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ડીએનએ (DNA) પરીક્ષણોની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ભારતીયોના શોકગ્રસ્ત પરિવારો સાથે ટેલિફોનિક વાતચીત કરી સાંત્વના પાઠવી છે અને તમામ પ્રકારની કાનૂની તથા રાજદ્વારી સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે. પોસ્ટમોર્ટમની કાગળોની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતકોના પાર્થિવ દેહને તેમના સ્વજનોને સોંપવામાં આવશે.

LATEST ARTICLES