કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી’ સેશન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધા પ્રહારો કર્યા હતા. તેમણે પોતાનો મોબાઇલ ફોન બતાવતા દાવો કર્યો હતો કે વિદેશી ફંડિંગ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અંગેના તમામ પુરાવા તેમના ફોનમાં મોજૂદ છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન આ તમામ બાબતોથી સારી રીતે વાકેફ છે, કારણ કે સરકાર દ્વારા તેમનો ફોન સઘનપણે ટેપ કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર આરોપો સાથે તેમણે પીએમ મોદીને આમને-સામને જાહેર ચર્ચામાં જોડાવા માટે પણ પડકાર આપ્યો હતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે જે દિવસે વડાપ્રધાન તેમની સાથે સીધી ડિબેટ કરવા માટે તૈયાર થશે, તે દિવસે દેશ સમક્ષ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ ચર્ચાથી સ્પષ્ટ થઈ જશે કે વાસ્તવમાં કોણ વિદેશી તાકાતોના નિયંત્રણ હેઠળ કામ કરી રહ્યું છે અને કયા લોકો રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા છે. કોંગ્રેસ નેતાના આ નિવેદનને કારણે રાજકીય ગરમાવો આવી ગયો છે અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે.
ફોન ટેપિંગનો આ પહેલો મામલો નથી, અગાઉ પણ જુલાઈ ૨૦૨૧માં પેગાસસ સ્પાયવેર વિવાદ તેમજ યુકે અને અમેરિકાના પ્રવાસો દરમિયાન રાહુલ ગાંધી આ પ્રકારની શંકાઓ વ્યક્ત કરી ચૂક્યા છે. તેમણે અગાઉ ગુપ્તચર એજન્સીઓ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ દ્વારા તેમને સાવચેત કરવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો હતો. અગાઉના સમયમાં પણ તેમણે આઈફોન ટેપ થવાની આશંકા વ્યક્ત કરીને કટાક્ષ કર્યો હતો કે સરકાર તેમની દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખી રહી છે.
